ઇઝરાયેલના યમન અને ગાઝા પર ભીષણ હુમલા, 76ના મોત
યેરુશલેમ : ઇઝરાયેલે યમન અને ગાઝામાં હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે. યમનમાંથી મિસાઇલ છોડાયા બાદ ઇઝરાયેલે કરેલા એરસ્ટ્રાઇકમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 130થી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝામાં છેલ્લા 24 કલાક દરમિયાન કરાયેલા હુમલામાં 41 લોકોના મોત થયા છે. આમ બંને જગ્યાએ મળી કુલ 76ના ભોગ લેવાયા છે.
યમનના હુથી શાસિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રાજધાની સના ખાતે થયેલા હુમલામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઇઝરાયેલે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ હુમલો હુથી બળવાખોરો દ્વારા ઇઝરાયેલના એરપોર્ટ પર કરવામાં આવેલા સફળ પ્રહાર બાદ વળતા પ્રહારમાં થયો હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલામાં 41 લોકોના મોત અને 184થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ સાથે ગાઝામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 64,600 સુધી પહોંચી ગયો છે. યુદ્ધ શરૂ થયા બાદ 404 ગાઝાવાસીઓ કુપોષણથી મરી ગયા છે, જેમાં 141 બાળકોનો સમાવેશ થાય છે.
હુથી બળવાખોરોએ ચેતવણી આપી છે કે, તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઇઝરાયેલ પર હુમલા ચાલુ રાખશે. ઇઝરાયેલે દસ લાખની વસ્તી ધરાવતા ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને લોકોને દક્ષિણમાં બનાવાયેલા કેમ્પોમાં જવાની સૂચના આપી છે. આ વચ્ચે ઇઝરાયેલે કતારની રાજધાની દોહા પર કરેલા હુમલાને આખા મધ્યપૂર્વના દેશોએ વખોડી કાઢ્યો છે. કતાર અમેરિકાનો મહત્વપૂર્ણ સહયોગી ગણાય છે. ઇઝરાયેલના આ પગલાથી આખું અરબ જગત નારાજ થયું છે અને સમગ્ર મધ્યપૂર્વમાં તનાવ વધી ગયો છે.