ફિલીસ્તીનને દેશ તરીકે વિવિધ દેશોએ આપેલી મંજુરી અંગે ઈઝરાયના PM એ વ્યક્ત કરી નારાજગી
તેલ અવિવ: બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણયની ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂએ કડક આલોચના કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે આ દેશોએ ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપી હકીકતમાં હમાસને ઇનામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઇઝરાયલ યોરડન નદીના પશ્ચિમ કિનારે ફિલિસ્તીન દેશની સ્થાપના ક્યારેય થવા દેશે નહીં.
નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, “અમારી જમીન પર આતંકવાદી રાજ્ય થોપવાની આ નવી કોશિશનો જવાબ હું અમેરિકા પરથી પાછો ફર્યા બાદ આપીશ.” બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના નેતાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “7 ઑક્ટોબરના ભયાનક હત્યાકાંડ બાદ ફિલિસ્તીનને માન્યતા આપનારાઓ માટે મારો સ્પષ્ટ સંદેશ છે કે તમે આતંકને મોટું ઇનામ આપી રહ્યા છો, પરંતુ મારો બીજો સંદેશ એ છે કે આવું ક્યારેય નહીં થાય. યોરડન નદીના પશ્ચિમ કિનારે કોઈ ફિલિસ્તીન દેશ નહીં બને.”
ફિલિસ્તીન દેશની રચનાને લઈને ફરી એકવાર વિરોધ વ્યક્ત કરતાં નેતન્યાહૂએ વેસ્ટ બેંકમાં યહૂદી વસાહતોનો વિસ્તાર કરવાની પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. તેમણે જણાવ્યું કે “ઘણા વર્ષોથી મેં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ આ આતંકવાદી દેશની રચનાને રોકી છે. અમે મજબૂત સંકલ્પ સાથે આ કર્યું છે. યહૂદિયા અને સામારિયામાં અમે યહૂદી વસાહતોની સંખ્યા દોગણી કરી છે અને એ જ માર્ગ પર આગળ વધતા રહીશું.”
બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ રવિવારે ફિલિસ્તીનને સત્તાવાર માન્યતા આપી હતી. ત્રણેય દેશોના આ નિર્ણયની અમેરિકા અને ઇઝરાયલે કડક આલોચના કરી છે. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડિયોન સારએ પણ આ નિર્ણયને ગંભીર ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે, “વિશ્વના મોટા ભાગના દેશોએ પહેલાંથી જ ફિલિસ્તીનને દેશ તરીકે માન્યતા આપી છે. આ નિર્ણય તે સમયે પણ ખોટો હતો અને હવે ફરી ખોટો છે. આજે આ પગલું ભરનાર સરકારો અનૈતિક, શરમજનક અને અક્ષમ્ય કાર્ય કરી રહી છે.”
બીજી તરફ, બ્રિટનના પ્રધાનમંત્રી કીઅર સ્ટાર્મરે જણાવ્યું કે “હમાસનું ફિલિસ્તીનના ભવિષ્યમાં કોઈ સ્થાન નહીં હોય.” કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ પણ સ્પષ્ટ કર્યું કે “આ નિર્ણય હમાસને ઇનામ આપવા સમાન નથી, પરંતુ ફિલિસ્તીની ઓથોરિટી મજબૂત કરવા અને લોકશાહી સુધારાઓને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.”