ગાઝામાં શાળા પર ઇઝરાયલી હુમલો, 29 લોકોના મોત
ગાઝા શહેરની પૂર્વમાં આવેલી દાર અલ-અરકમ સ્કૂલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 29 પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને 100 થી વધુ ઘાયલ થયા હતા. હમાસ સંચાલિત ગાઝા મીડિયા ઓફિસના જણાવ્યું હતું કે, મૃતકોમાં 18 બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. દરમિયાન, ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસલે જણાવ્યું હતું કે શાળા "સતત ઇઝરાયલી બોમ્બમારાથી બચી રહેલા વિસ્થાપિત પરિવારોને આશ્રય પૂરો પાડી રહી છે."
તેમણે કહ્યું કે, કટોકટીની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ અને કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા અને ઘાયલોની સારવાર કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઇઝરાયલી સેનાએ શાળા પર ત્રણ મિસાઇલોથી હુમલો કર્યો હતો. વિસ્ફોટ ખૂબ જ મોટો હતો. આ હુમલામાં "ઘણા લોકો માર્યા ગયા હતા અને હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે." ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં એવો પણ દાવો કર્યો હતો કે તેણે ગાઝા સિટી વિસ્તારમાં હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર મુખ્ય આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.
નિવેદન અનુસાર, આતંકવાદીઓ દ્વારા આ કેન્દ્રનો ઉપયોગ ઇઝરાયલી નાગરિકો અને IDF સૈનિકો સામે હુમલાઓની યોજના બનાવવા અને તેને અમલમાં મૂકવા માટે કરવામાં આવતો હતો. ઇઝરાયલે 18 માર્ચે બે મહિનાનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો અને પેલેસ્ટિનિયન વિસ્તાર પર ઘાતક હવાઈ અને જમીની હુમલાઓ ફરી શરૂ કર્યા. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 1163 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2735 અન્ય ઘાયલ થયા છે.