ઈઝરાયલે બંધકોને મુક્ત કરાવવા હમાસના ઠેકાણા ઉપર ફરીથી કર્યા હુમલા
ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળ હમાસને હરાવવા, તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે. કાત્ઝે કહ્યું હતું કે જો હમાસ તમામ બંધકોને મુક્ત કરવાની અને યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલના કાયમી સુરક્ષા નિયંત્રણની શરતો સાથે સંમત નહીં થાય, તો ગાઝાનો નાશ કરવામાં આવશે. અગાઉ, ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં જબાલિયા પર હુમલાઓ વધારી દીધા છે. સેનાએ કહ્યું હતું કે વધારાના વિસ્તારોમાં હુમલાઓ વધારવાનો હેતુ હમાસના લડવૈયાઓને ફરીથી એકઠા થતા અટકાવવાનો છે.
દરમિયાન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસને સમર્થન આપનારા દેશોમાં એક્ટિવ આતંકવાદી જૂથોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. યમનની રાજધાની સનામાં ઇઝરાયલી હવાઈ હુમલા પછી જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. એક સુરક્ષા સૂત્રએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઇઝરાયલે સના પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાઓમાં રાષ્ટ્રપતિ મહેલ અને મિસાઇલ બેઝની નજીકની જગ્યાને નિશાન બનાવવામાં આવી હતી.