ઈઝરાયેલ-હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે પુષ્ટિ કરી કે કતારમાં ઈઝરાયેલ અને હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ છે.
ઈઝરાયેલના મીડિયાએ આ જાણકારી આપી છે. બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદનને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે જણાવ્યું હતું કે ઈઝરાયેલના વડા પ્રધાને ડીલ પર મત આપવા માટે શુક્રવારે સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી છે, ત્યારબાદ સત્તાવાર મંજૂરી માટે સંપૂર્ણ કેબિનેટ સત્ર બોલાવવામાં આવશે.
ઈઝરાયેલની વાટાઘાટો ટીમે નેતન્યાહુને જાણ કરી કે કરાર સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તેમણે તેમના પ્રયાસો માટે ટીમનો આભાર માન્યો હતો. આ કરારને 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ હેઠળ, ઈઝરાયેલ જ્યારે બંદી બનાવાયેલા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, ત્યારે હમાસ બંધક બનાવવામાં આવેલા ઘણા લોકોને મુક્ત કરશે.બુધવારે મધ્યસ્થી કરનારા દેશો કતાર, અમેરિકા અને ઇજિપ્તે કરારની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ઇઝરાયેલના બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને તબક્કાવાર મુક્ત કરવામાં આવશે અને ગાઝામાં લડાઇમાં વિરામ પણ આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ જાહેરાત બાદથી ઈઝરાયેલના હુમલામાં ડઝનબંધ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને ગાઝામાં 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા. આ પછી, ઈઝરાયેલે પેલેસ્ટિનિયન જૂથના કબજા હેઠળની ગાઝા પટ્ટી પર સૈન્ય હુમલા શરૂ કર્યા.