ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલે સોમવારે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ઇઝરાયલી અધિકારીઓએ પેલેસ્ટિનિયન કેદીઓને તેમની મુક્તિની તૈયારીમાં પશ્ચિમ કાંઠાની ઓફેર જેલમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું છે. રેડ ક્રોસ ત્રણ ઇઝરાયલી બંધકોની સલામત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હમાસ સાથે મુલાકાત કરી રહ્યું છે, ત્યારે આ પ્રક્રિયા શરૂ થઈ છે. ત્રણેય મહિલા બંધકોને મુક્ત કરવામાં આવી છે.
- મોટાભાગની મહિલાઓ અને બાળકો પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમના હતા
આ ત્રણ મહિલાઓમાં 28 વર્ષીય બ્રિટિશ-ઇઝરાયલી એમિલી દામારી, 30 વર્ષીય વેટરનરી નર્સ ડોરોન સ્ટેઇનબ્રેચર અને 23 વર્ષીય રોમી ગોનેનનો સમાવેશ થાય છે. જેમનું નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. 471 દિવસની કેદ પછી, તે મુક્ત થનારી પહેલી બંધક હતી. તેમની મુક્તિ કરારનો પ્રારંભિક તબક્કો છે. જેમાં હમાસ દ્વારા 33 ઇઝરાયલી બંધકો અને ઇઝરાયલ દ્વારા 990 થી 1,650 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ પણ જોવા મળશે. કરાર હેઠળ 90 પેલેસ્ટિનિયન કેદીઓના પહેલા જૂથને રેડ ક્રોસને સોંપતા પહેલા તબીબી તપાસ અને ઓળખ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમના હતા.
- ઇઝરાયેલી સૈન્ય કરારોના કોઈપણ ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવા તૈયાર
બીજી તરફ હમાસે રેડ ક્રોસ દ્વારા ત્રણ ઇઝરાયલી બંધકોને ગાઝા સરહદ નજીક ઇઝરાયલી દળોને સોંપી દીધા હતા. જ્યાં તેમને તેમના પરિવારો સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું હતું. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ આ ક્ષણને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, ત્રણેય નરકમાંથી પસાર થયા હતા. IDF પ્રવક્તા ડેનિયલ હાગરે તેમના પાછા ફરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભાર મૂક્યો કે ઇઝરાયેલી સૈન્ય કરારોના કોઈપણ ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવા તૈયાર છે. ગાઝા પર 15 મહિનાથી વધુ સમય સુધી ઇઝરાયલી હવાઈ હુમલાઓ બાદ યુદ્ધવિરામ કરારનો હેતુ દુશ્મનાવટ બંધ કરવાનો હતો. ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયલ અને હમાસ એકબીજાના બંધકોને મુક્ત કરી રહ્યા છે.