ઈઝરાયલઃ યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિની માંગણી સાથે દેખાવો
ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ગઇકાલે લાખો ઇઝરાયલીઓએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાકી રહેલા 50 બંધકોના પરિવારો, વિપક્ષી નેતાઓ અને નાગરિક જૂથોએ તેલ અવીવના હોસ્ટેજીસ સ્ક્વેર, જેરુસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાનની બહાર અને અન્ય મુખ્ય સ્થળોએ રેલી કાઢી હતી.
બંધક પરિવારો અને વિપક્ષી નેતા યાયર લેપિડ સહિત ટીકાકારોએ દલીલ કરી હતી કે લાંબુ ચાલતું યુદ્ધ બાકીના બંધકોને જોખમમાં મૂકી શકે છે. આ વિરોધ પ્રદર્શન નેતન્યાહૂની ગાઝામાં લશ્કરી કાર્યવાહી વધારવાની યોજના પર વધતા ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે. સામે પક્ષે નેતન્યાહૂએ પોતાના વલણનો બચાવ કરતા દલીલ કરી હતી કે હમાસને હરાવ્યા વિના યુદ્ધ સમાપ્ત કરવાથી 7 ઓક્ટોબર, 2023 જેવું પુનરાવર્તન થવાનું જોખમ રહેશે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ ગાઝામાં લગભગ 62 હજાર જેટલા લોકોના મોત થયા છે.