લેબનોનની એક હોસ્પિટલની નીચે અબજો રૂપિયાનો ખજાનો છુપાવેલો હોવાનો ઈઝરાયલનો દાવો
તેલઅવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની જ્વાળાઓ લેબનોન અને ઈરાન સુધી પહોંચી ગઈ છે. ગાઝામાં હમાસના વડા યાહ્યા સિનવાર અને બેરૂતમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલ સતત એક પછી એક ચોંકાવનારા દાવા કરી રહ્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ હિઝબુલ્લાહના નાણાકીય કેન્દ્ર વિશે ગુપ્ત માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, જે બંકરમાં નસરાલ્લાની હત્યા કરવામાં આવી હતી ત્યાં ખજાનો છે. આ ચોંકાવનારો ખુલાસો ઈઝરાયેલ એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ થયો છે. આ હુમલાઓનો હેતુ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની કામગીરીને ભંડોળ પૂરું પાડવાની ક્ષમતાને નબળી પાડવાનો હતો. IDF અનુસાર, આ ગુપ્ત બંકર બેરૂતની મધ્યમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે છે. આ હસન નસરાલ્લાનું બંકર છે, જ્યાં અબજોનું સોનું અને રોકડ છે.
આઇડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, "આજે હું એક સ્થાન વિશે જાહેર ગુપ્ત માહિતી આપી રહ્યો છું." દક્ષિણ બેરૂતમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે છુપાયેલા આ બંકરમાં 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું છે, એટલે કે લગભગ 4194,50,25,000 રૂપિયાની કિંમતનો ખજાનો. આ નાણાંનો ઉપયોગ લેબનીઝ રાજ્યના પુનઃનિર્માણ માટે થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાના આ નાણાકીય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કર્યા છે. ટાર્ગેટ ચુસ્ત સુરક્ષા સાથેનું ગુપ્ત સ્થાન હતું. અહીં એક અંડરગ્રાઉન્ડ તિજોરી છે, જેમાં રોકડ અને સોનાના રૂપમાં અબજો રૂપિયા રાખવામાં આવ્યા હતા. હિઝબુલ્લાહ આ પૈસાનો ઉપયોગ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે કરી રહ્યો હતો. જો કે, હગારીએ કહ્યું ન હતું કે હુમલામાં તમામ પૈસા ગુમાવ્યા છે કે કેમ.
રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ પછી બેરૂતમાં બીજા બંકરનો ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું છે કે આ બંકર એક હોસ્પિટલની નીચે બનાવવામાં આવ્યું છે. તેમાં રોકડ અને સોનું પણ ભરેલું છે. હગારીએ કહ્યું કે, 'અમારા અનુમાન મુજબ, આ બંકરમાં ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું રાખવામાં આવ્યું છે. આ નાણાંનો ઉપયોગ લેબનોનના પુનઃનિર્માણ માટે કરવામાં આવશે.