થરા એપીએમસીના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા
પાલનપુરઃ કાંકરેજ તાલુકાના થરા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા છે.
થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી બે મહિના પહેલા યોજાઈ હતી. જેમાં વેપારી મત વિભાગના 4 અને ખેડૂત મત વિભાગના 10 એમ કુલ 14 સભ્યો માટે મતદાન યોજાયુ હતું. ભાજપની પરિવર્તન પેનલ અને પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જામી હતી. જેમાં ભાજપની પરિવર્તન પેનલના ઉમેદવાર અને પૂર્વ કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત પરિવર્તન પેનલના હોદ્દેદારોની ભવ્ય જીત થઇ હતી. ત્યારબાદ રજિસ્ટ્રાર દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપે મેન્ડેટ આપતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ ( ખેડૂત વિભાગ) અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર (વેપારી વિભાગ) ચૂંટાઈ આવ્યા છે.
થરા એપીએમસીના ચેરમેન તરીકે ચૂંટાયેલા ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયેલા કિરીટભાઈ ઠક્કરને રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલ દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવ્યા છે.