ઈશાન કિશન લંડનમાં ભોજપુરી ગીત ઉપર નાચતો જોવા મળ્યો
ભારતીય વિસ્ફોટક ક્રિકેટર ઇશાન કિશન હાલમાં ઇંગ્લેન્ડમાં છે, તે રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી પણ તે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે. તેને ઇંગ્લેન્ડ લાયન્સ સામે મેચ રમવા માટે ઇન્ડિયા એ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં નોટિંગહામશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા બાદ તેને સાઇન કર્યો હતો. દરમિયાન તેણે સતત બીજી મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ઇશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી, જોકે તેનું નામ આ વર્ષે જાહેર કરાયેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં પાછું સામેલ કરવામાં આવ્યું હતું જે પાછલી સીઝનમાં દૂર કરવામાં આવ્યું હતું. તેણે IPL 2025 ની પહેલી જ મેચમાં અડધી સદી ફટકારીને સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તેનું બેટ શાંત રહ્યું હતું, પરંતુ તેણે RCB સામે 94 રનની શાનદાર ઇનિંગ રમીને ટુર્નામેન્ટનો શાનદાર અંત કર્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પણ તેનું ફોર્મ યથાવત જોવા મળી રહ્યું છે.
ઈશાન કિશન હાલમાં કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયનશિપ ડિવિઝન 1 માં રમી રહ્યો છે. નોટિંગહામશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં જોડાયેલા ઈશાને સમરસેટ સામેની પ્રથમ ઇનિંગમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 2 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની પહેલી મેચમાં 87 રન બનાવ્યા હતા. આ ઇનિંગ ચોક્કસપણે તેનો આત્મવિશ્વાસ વધારશે અને પસંદગીકારો પણ તેના પર નજર રાખશે. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પહેલી મેચ રમ્યા બાદ, ઈશાન કિશન લંડનની મુલાકાતે નીકળ્યો હતો. તેણે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક રીલમાં, તે ભોજપુરી ગીત પર પર નાચતો હતો, તે રિક્ષામાં બેઠો હતો. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
ઈશાન તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2023 માં રમ્યો હતો. તેણે ભારત માટે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 મેચ રમી છે. આમાં તેણે અનુક્રમે 78, 933 અને 796 રન બનાવ્યા છે. તેણે વનડેમાં બેવડી સદી (210) પણ ફટકારી છે. તેના નામે વનડેમાં 1 સદી અને 7 અડધી સદી છે. તેણે ટી20માં 6 અડધી સદી ફટકારી છે.