IRCTC એપ અને વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક કરાવવામાં લોકોને હાલાકી પડી
નવી દિલ્હીઃ દેશમાં લોકો પરિવહન માટે સૌથી વધારે રેલવેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો આઈઆરસીટીસી ઉપર પ્રવાસને લઈને ટીકીટ બુક કરાવે છે. જો કે, આઈઆરસીટીસી વેબસાઈટ અને એપ ડાઉન થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. વેબસાઈટ અને એપ ડાઉન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
ટ્રેન ટિકિટ બુકિંગની સુવિધા આપતી IRCTC વેબસાઈટ ફરી એકવાર ડાઉન થઈ ગઈ છે. આ વખતે IRCTC દ્વારા આ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ તત્કાલ ટિકિટ બુક કરાવી શકતા નથી કારણ કે IRCTC વેબસાઇટ ડાઉન છે. લોકો આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરવાની સાથે અહીં જઈને તેમનું સ્ટેટસ અને પીએનઆર જેવી વસ્તુઓ પણ તપાસે છે. આવી સ્થિતિમાં વેબસાઈટ અને એપ્સ ડાઉન થવાને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
લાખો લોકો IRCTC એપ અને વેબસાઈટનો ઉપયોગ કરે છે, જો તે ડાઉન થાય તો લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા લાગે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. લોકોએ સોશિયલ મીડિયા પર જઈને તેમની સમસ્યાઓ વ્યક્ત કરી અને પૂછ્યું કે આવું માત્ર તત્કાલ ટિકિટ બુક કરતી વખતે જ કેમ થાય છે. લોકોએ IRCTCને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતી.
આ પહેલીવાર નથી જ્યારે IRCTCની વેબસાઈટ અથવા એપ ડાઉન થઈ હોય, આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. ઘણી વખત, IRCTC આગોતરી સૂચના આપે છે કે જાળવણીને કારણે, સાઇટને અડધો કલાક કે તેથી વધુ સમય માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે, આ વખતે આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. કારણ કે લોકોએ સોશિયલ મીડિયા પર IRCTCને ટેગ કરીને પ્રશ્નો પૂછ્યા છે, આ આક્રોશનો જવાબ ટૂંક સમયમાં આવી શકે છે.