ઈરાન-ઈરાક વચ્ચે પ્રાદેશિક સુરક્ષા, સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધારવા સહમતી
ઈરાનની રાજધાની તેહરાનમાં બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફ અને તેમના ઇરાકી સમકક્ષ મહમૂદ અલ-મશહદાનીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, "અમે અમારા દ્વિપક્ષીય રાજકીય અને આર્થિક સંબંધોને વધારવા માંગીએ છીએ, જે પડોશી આરબ, બિન-આરબ અને મુસ્લિમ રાજ્યો વચ્ચે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં ફાળો આપશે,". સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, કાલિબાફે કહ્યું કે ઈરાની અને ઇરાકી લોકો, સંસદ અને સરકાર બંને વચ્ચેના સંબંધો ચરમસીમાએ છે. તેમણે કહ્યું કે બે મુસ્લિમ દેશો હોવાને કારણે, ઈરાન અને ઈરાક હંમેશા મુસ્લિમ વિશ્વના ગૌરવને ટેકો આપવા તૈયાર છે.
આર્થિક સંબંધો અને સુરક્ષા સહયોગ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.
ઇરાકી ન્યૂઝ એજન્સી અનુસાર, ઇરાકી સંસદના સ્પીકરે કહ્યું કે તેહરાનની તેમની મુલાકાત દરમિયાન ચર્ચા કરાયેલા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં સરહદો, આર્થિક સંબંધો અને સુરક્ષા સહયોગનો સમાવેશ થાય છે. "અમે પ્રદેશમાં સુરક્ષા સ્થિરતા જાળવવાના પગલાં અંગે ચર્ચા કરી," તેમણે કહ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'ઇરાક તેના આરબ અને ઇસ્લામિક સિદ્ધાંતોને છોડશે નહીં અને તે બધા માટે ખુલ્લું છે.' મશહદાનીએ ખાતરી આપી હતી કે ઇરાક હંમેશા ઈરાનની સાથે ઉભું રહેશે અને પડોશી દેશની 'આશા' બનશે, ICANA એ જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે દ્વિપક્ષીય સંબંધોમાં વધુ સુધારો થશે.