ઈરાન: બંદર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો, 100 થી વધુ ઘાયલ
તેહરાનઃ ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં શાહિદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો છે અને સરકારે રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. ઈરાનની IRIB ન્યૂઝ એજન્સીએ હોર્મોઝગનના ગવર્નર મોહમ્મદ આશૌરી તાઝિયાનીને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 197 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઈરાની સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્રે સોમવારને રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. મોહજેરાનીના કાર્યાલયના એક નિવેદન અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને રવિવારે વિસ્ફોટની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે બંદરની મુલાકાત લીધી હતી અને કેટલાક ઘાયલોને મળ્યા હતા.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંગઠનના વડા હુસૈન સાજેદિનિયાએ જણાવ્યું હતું કે પાંચ પ્રાંતોની અગ્નિશામક ટીમો આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે થોડા કલાકોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે. તેમણે કહ્યું કે બંદર પરના કેટલાક કન્ટેનરમાં પીચ જેવા જ્વલનશીલ પદાર્થો હતા, અને અન્યમાં રસાયણો હતા. આ ઘટના છતાં, સત્તાવાર સમાચાર એજન્સી IRNA અનુસાર, બંદરના ઘાટોએ કામગીરી અને કાર્ગો હેન્ડલિંગ ફરી શરૂ કરી દીધું છે.