ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. તણાવને ધ્યાનમાં રાખીને, BCCI એ IPL 2025 સીઝનને અચોક્કસ મુદત માટે મુલતવી રાખી છે. અગાઉ, IPL ચેરમેન અરુણ ધુમલે ગુરુવારે રાત્રે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં IPLની 18મી સીઝન ચાલુ રહેશે, પરંતુ હવે બોર્ડે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ધર્મશાળામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ રદ કરવામાં આવી હતી. ફ્લડલાઇટમાં ખામીને કારણે મેચ બંધ કરવામાં આવી હતી અને દર્શકો તથા ખેલાડીઓને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. બીસીસીઆઈએ કહ્યું હતું કે ધર્મશાળામાં ટેકનિકલ ખામીને કારણે મેચ રદ કરવામાં આવી હતી.
"દેશ યુદ્ધમાં હોય ત્યારે ક્રિકેટ ચાલી રહ્યું છે તે સારું લાગતું નથી," એમ બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું. IPL 2025 સીઝન તેના અંતિમ તબક્કામાં હતી અને ફાઇનલ સહિત કુલ 16 મેચ રમવાની બાકી હતી. IPL 2025 સીઝનની ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકાતામાં રમવાની હતી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. અગાઉ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ પાકિસ્તાન સુપર લીગ (PSL) ને UAE માં ખસેડવાનો નિર્ણય લીધો હતો.