IPL: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચમાં મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના આધારે 16મી ઓવરમાં જ લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 9 વિકેટથી જીતી લીધી.
- કેવી રહી મુંબઈની બેટિંગ ?
177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. બંને વચ્ચે 63 રનની ભાગીદારી થઈ. રિશેલોને 7મી ઓવરમાં જાડેજાએ આઉટ કર્યો. પરંતુ આ પછી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે એક અદ્ભુત પાર્ટનરશિપ થઈ. બંનેએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. બંનેએ તોફાની અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 45 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યાએ 30 બોલમાં 68 રનની તોફાની ઇનિંગ રમી. સૂર્યાએ 5 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. જેના કારણે મુંબઈએ ચેન્નાઈના 177 રનના લક્ષ્યાંકનો 16મી ઓવરમાં જ સરળતાથી પીછો કરી લીધો. આ મુંબઈ ઈન્ડિયન્સનો સતત ત્રીજો વિજય છે. હવે પોઈન્ટ ટેબલમાં, મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે KKRથી ઉપર છઠ્ઠા સ્થાને આવી ગયું છે. જ્યારે ચેન્નાઈ હજુ પણ છેલ્લા સ્થાને છે.
- કેવી રહી ચેન્નાઈની બેટિંગ ?
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી. રચિન રવિન્દ્ર અને શેખ રશીદે ધીમી શરૂઆત કરી. રચિન રવિન્દ્રએ ચોથી ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી. આ પછી, 17 વર્ષીય આયુષ મ્હાત્રેએ શાનદાર બેટિંગ કરી. મ્હાત્રેએ 32 રન બનાવ્યા જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, તે 7મી ઓવરમાં દીપક ચહરનો શિકાર બન્યો. આ પછી, શેખ રશીદે પણ બીજી જ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. પરંતુ આ પછી શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા વચ્ચે શાનદાર ભાગીદારી થઈ. દુબેએ કેટલાક શાનદાર શોટ્સ રમ્યા. દુબેએ 32 બોલમાં 50 રનની જ્વલંત ઇનિંગ રમી. 17મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. બુમરાહે તેને આઉટ કર્યો. આ પછી, ધોની પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ ધોની 6 બોલમાં ફક્ત 4 રન બનાવી શક્યો અને બુમરાહએ તેને પોતાનો શિકાર બનાવ્યો. પરંતુ બીજા છેડે ઉભેલા રવિન્દ્ર જાડેજાએ શાનદાર ફિફ્ટી ફટકારી, જેના આધારે CSK એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ મુંબઈ માટે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો.