IPL : લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદે 6 વિકેટે મેળવી જીત
ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાઈન્ટ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. લખનઉની આ હાર બાદ પ્લેઓફમાં પહોંચવાની તેની આશા પણ ચકનાચૂર થઈ ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ માર્શ અને માર્કરામની અર્ધી સદીના આધારે હૈદરાબાદને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં, હૈદરાબાદ 19મી ઓવરમાં મેચ જીતી ગયું હતું.
206 રનના જવાબમાં હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. દિગ્વેશે બીજી જ ઓવરમાં અથર્વની વિકેટ લીધી હતી. અથર્વના બેટમાંથી ફક્ત 13 રન જ આવ્યા હતા. પરંતુ આ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ હૈદરાબાદ ટીમની જવાબદારી સંભાળી અને ઝડપી ગતિએ રન બનાવ્યા. અભિષેકે માત્ર 18 બોલમાં સતત ત્રણ છગ્ગા મારીને ફિફ્ટી ફટકારી હતી. પરિસ્થિતિ એવી હતી કે હૈદરાબાદ 8મી ઓવરમાં જ 100 રનનો આંકડો પાર કરી ગયું હતું, પરંતુ અભિષેક શર્માની વિકેટ 8મી ઓવરમાં પડી ગઈ. અભિષેકે 59 રનની ઇનિંગ રમી. આ પછી, 12મી ઓવરમાં ઇશાન કિશન પણ આઉટ થયો હતો. તેમને દિગ્વેશ સિંહ રાઠીએ પણ વિદાય આપી હતી. ઇશાન કિશને 35 રનની ઇનિંગ રમી હતી. આ પછી, હેનરિક ક્લાસેન અને કમિન્ડુએ શાનદાર બેટિંગ કરી હતી. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જોકે, આ પાર્ટનરશિપ 18મી ઓવરમાં તૂટી ગઈ હતી. હેનરી ક્લાસેને 47 રનની ઇનિંગ રમી હતી, પરંતુ હૈદરાબાદે આ મેચ 6 વિકેટથી જીતી લીધી. હૈદરાબાદની આ જીત સાથે લખનઉની આશાઓ પણ ચકનાચૂર થઈ ગઈ. હવે તેના માટે પ્લેઓફની સફર પૂરી થઈ ગઈ છે. હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર હતી.
પહેલા બેટિંગ કરવા આવેલી લખનઉની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. મિશેલ માર્શ અને એડન માર્કરમે તોફાની શરૂઆત કરી હતી. છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો. મિશેલ માર્શે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી. પોતાની ઇનિંગમાં તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. લખનઉએ માત્ર 9 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો, પરંતુ લખનઉને પહેલો ઝટકો 11મી ઓવરમાં લાગ્યો, જ્યારે હર્ષ દુબેએ મિશેલ માર્શની વિકેટ લીધી. માર્શે 39 બોલમાં 65 રનની ઇનિંગ રમી. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા, પરંતુ માર્કરામ બીજા છેડે અડગ રહ્યા. પરંતુ ઋષભ પંત ફરી ફ્લોપ ગયો. તે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ 12મી ઓવરમાં માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 27 કરોડ રૂપિયાના પંત માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે. તે જ સમયે, માર્કરમે 28 બોલમાં અડધી સદી ફટકારી. આ સિઝનમાં આ તેની 5મી અડધી સદી હતી. પરંતુ 16મી ઓવરમાં એડન માર્કરમની વિકેટ પડી ગઈ. માર્કરમે 38 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી. તે જ સમયે, લખનઉને 18મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે બદોની 3 રન બનાવીને આઉટ થઈ ગયો. જોકે, નિકોલસ પૂરન એક છેડે અડગ રહ્યા. પૂરણે 26 બોલમાં 45 રન બનાવ્યા અને છેલ્લી ઓવરમાં રન આઉટ થયો. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા.