IPL : કોહલી T20માં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
મુંબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની એક મહત્વપૂર્ણ મેચમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતા, કોહલી T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
આ સિદ્ધિ સાથે, કોહલી T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા આ સિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (14,562 રન), ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ (13,610 રન), પાકિસ્તાનના શોએબ મલિક (13,557 રન) અને વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ (13,537 રન) દ્વારા હાંસલ કરવામાં આવી છે.
સરેરાશ અને સ્ટ્રાઇક રેટમાં પણ કોહલીનું વર્ચસ્વ
36 વર્ષીય વિરાટ કોહલીની T20 ક્રિકેટમાં એવરેજ 42ની આસપાસ છે અને તેનો સ્ટ્રાઇક રેટ 134 છે. તેણે અત્યાર સુધીમાં 9 સદી અને 98 અડધી સદી ફટકારી છે, જે આ ફોર્મેટમાં કોઈપણ બેટ્સમેનના વર્ચસ્વનો પુરાવો છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચ પહેલા, વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે અત્યાર સુધીમાં 256 મેચોમાં 8111 રન બનાવ્યા છે, તેની સરેરાશ 38.81 અને સ્ટ્રાઇક રેટ 132.01 છે.