IPL 2025: RCB 3 ખેલાડીઓને રિલીઝ કરે તેવી શકયતા
નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છેલ્લી કેટલીક સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ ટીમથી ટાઈટલ હજુ દૂર છે. IPL 2024માં, RCB એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. હવે BCCI દ્વારા જારી કરાયેલી નવી રિટેન્શન પોલિસી અને સેલરી સ્લોટને કારણે ટીમો માટે ખેલાડીઓને જાળવી રાખવા મુશ્કેલ બની ગયા છે.
• યશ દયાલ
યશ દયાલને RCB દ્વારા IPL 2024માં 5 કરોડ રૂપિયા આપીને સામેલ કરવામાં આવ્યો હતો. યશ તેની પ્રથમ સિઝનમાં બેંગલુરુ માટે સૌથી વધુ વિકેટ (15) લેનાર બોલર બન્યો હતો. તેણે વિકેટ તો લીધી, પરંતુ પાવરપ્લે અને ડેથ ઓવરમાં ઘણા રન આપ્યા હતા. ગત સિઝનમાં યશનો ઈકોનોમી રેટ 9.15 હતો. જો કે તેણે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેને બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. એક ખેલાડી તરીકે યશનું કદ વધી રહ્યું છે અને RCB માટે તેને જાળવી રાખવો શક્ય નથી. યશને જાળવી રાખવા માટે આરસીબીએ ઓછામાં ઓછા 11 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, બેંગલુરુ માટે બાકી રહેલો છેલ્લો વિકલ્પ તેને મુક્ત કરવાનો રહેશે.
• ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલે IPLમાં RCB માટે 52 મેચોમાં 28.77ની એવરેજથી 1,266 રન બનાવ્યા છે. ગત સિઝનમાં તેણે 12 મેચમાં માત્ર 52 રન બનાવ્યા હતા, જેના કારણે તેને ખૂબ ટ્રોલ થવું પડ્યું હતું. મેક્સવેલ છેલ્લા ઘણા સીઝનથી IPLમાં બેટ્સમેન તરીકે નિષ્ફળ રહ્યો છે, જેના કારણે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં તેની માર્કેટ વેલ્યુ કદાચ ઘટી ગઈ છે. મેક્સવેલ ટીમ માટે બોજ બની જાય તે પહેલા આરસીબી તેને મુક્ત કરી શકે છે.
• ફાફ ડુ પ્લેસિસ
ફાફ ડુ પ્લેસિસ વર્ષ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો હતો. તે એક ખેલાડી તરીકે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે છેલ્લી 3 સિઝનમાં કુલ 1,636 રન બનાવ્યા છે. તેણે તાજેતરમાં જ તેની કેપ્ટનશીપ હેઠળ સેન્ટ લુસિયા કિંગ્સને કેરેબિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બનાવી હતી. ડુ પ્લેસિસનું પ્રદર્શન ટોચના સ્તરનું રહ્યું છે, પરંતુ બીસીસીઆઈ દ્વારા બનાવવામાં આવેલી સેલેરી કેટેગરી અનુસાર, 11 કરોડ રૂપિયા પણ ડુ પ્લેસિસ માટે ખૂબ જ વધારે લાગે છે.