ભારતમાં 10 મહિનામાં આઈફોનના નિકાસમાં 31 ટકાનો નોંધપાત્ર વધારો
આપણે વિચારીએ છીએ છે કે, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓ દેશમાંથી પ્રીમિયમ સ્માર્ટફોન નિકાસ કરવામાં આગળ છે, તો એવું નથી. હકીકતમાં, ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માં, અમેરિકન સ્માર્ટફોન નિર્માતા કંપની એપલે ભારતમાંથી સૌથી વધુ સ્માર્ટફોન નિકાસ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-2025 ના પ્રથમ 10 મહિનામાં એપલના આઇફોન નિકાસ 31% વધીને રૂ. 1 લાખ કરોડને વટાવી ગયા. ગયા નાણાકીય વર્ષ (૨૦૨૩-૨૪) ના સમાન સમયગાળામાં, કંપનીએ દેશમાંથી 76 હજાર કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી હતી. આ પહેલી વાર છે જ્યારે એપલની નિકાસ 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
એપલે આ વર્ષે જાન્યુઆરીમાં રેકોર્ડ 19 હજાર કરોડ રૂપિયાના આઇફોન નિકાસ કર્યા હતા. એપલ માટે આઇફોન બનાવતી કંપની ફોક્સકોન તેમજ ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન 2021 થી ભારતમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ આઇફોનનું ઉત્પાદન કરી રહ્યા છે. અગાઉ ડિસેમ્બર 2024માં, એપલે સૌથી વધુ 14 હજાર કરોડ રૂપિયાના આઇફોન નિકાસ કર્યા હતા. ગયા ઓક્ટોબરથી, એપલની સ્માર્ટફોન નિકાસ દર મહિને 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રહી છે. એપલે 4 વર્ષ પહેલાં તેની સપ્લાય ચેઇન ચીનથી ભારતમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું હતું. સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં ભારત ટોચના 10 દેશોમાં સામેલ છે. નાણાકીય વર્ષ 2014-15માં ભારતમાંથી નિકાસ કરાયેલા ઉત્પાદનોમાં સ્માર્ટફોન 167મા ક્રમે હતા, હવે તે બીજા ક્રમનું મુખ્ય ઉત્પાદન બની ગયું છે. ભારતમાં ઉત્પાદન વધારવાની સાથે, એપલે સ્થાનિક સપ્લાય ચેઇનને સુધારવા પર પણ કામ કર્યું છે.