ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500થી વધુ કંપનીઓમાં કરાયો તપાસનો આદેશ
- બે કંપનીઓના સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું,
- MPના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો,
- MPએ ગુજરાતની બે કંપનીના સિરપ પર રોક લગાવી દીધી
અમદાવાદઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત થતાં એમપીના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ગુજરાતની બે કંપનીઓના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતા વધુ મળી આવ્યું છે. આ સમગ્ર મામલાને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી લગભગ 500 થી વધુ કંપનીઓમાં સરકારે તપાસના આદેશ આપ્યા છે.આ મામલે કેન્દ્રના પગલે ગુજરાત સરકારે પણ એડવાઈઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કર્યો છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોની કિડની ફેલ થવાની 16 બાળકો મોતને ભેટ્યા હતા. આ મામલે હોબાળો મચતા એમપીના ફુડ અને ડ્રગ્સ વિભાગે તપાસ કરતા ગુજરાતમાં મેન્યુફેકચર થયેલી બે કંપનીના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતા વધુ મળી આવ્યું હતુ. એમપીમાં સિરપકાંડ બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજિત 500 જેટલી કંપનીઓમાં કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે તેના આધારે ગુજરાત સરકાર પણ એડવાઈઝરી જાહેર કરશે.
મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્ વિભાગ દ્વારા ગુજરાતની કંપનીના બન્ને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગઈ 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડીકલ અને હોસ્પિટલમાં તપાસ કરી હતી. આ સમયે કૂલ 19 દવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ગાઈડલાઈન અનુસાર કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ. પરંતુ, તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયા હતા. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.