ખોટીરીતે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે તપાસ
- ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બન્યાનો આક્ષેપ,
- ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે તપાસ શરૂ કરી,
- ધારાસભ્ય રમણ વોરા વિરૂદ્ધ ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા
હિંમતનગરઃ ઈડરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી રમણલાલ વોરા સામે ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ થતાં તેની તપાસ કરવાનો આદેશ કરાયો છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. સ્થાનિક તંત્રે ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અટક દર્શાવ્યા વિના જ ઈડરના ભાજપના ધારાસભ્ય, રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. જ્યારે આ વાતનો પર્દાફાશ થતાં તેમણે દિનેશભાઈ પટેલને જમીન વેચી દીધી હતી. બાદમાં ખેતીની જમીન એનએ કરીને ફરી રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી હતી. આ જ જમીનના દાખલા-દસ્તાવેજો અને ખેડૂત ખરાઇના ખોટા દાખલા આધારે રમણ વોરાએ પુત્રોના નામે મત વિસ્તાર ઈડર નજીક દાવડમાં ખેતીની જમીનો ખરીદી હતી. આ સમગ્ર પ્રકરણને લઈને હવે વિવાદ ઊભો થયો છે. એટલુ જ નહીં, અરજદાર રાજેન્દ્ર પટેલે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાય તો ઈડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
ખેડૂત ખાતેદાર બન્યાનો વિવાદ ઊભો થતાં અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હોવા છતાંય ઈડર મામલતદાર એ.એ.રાવલે આપ્યા ન હતાં. આ કારણોસર મહેસૂલ વિભાગે તેમની બદલી કરી દીધી હતી. હવે પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું કહેવુ છે કે, ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઇલ મંગાવી છે. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ મુદ્દે એવું પણ જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય રમણ વોરા વિરૂદ્ધ ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવશે.