રેલવે ટ્રેક પર સિંહોની ગતિવિધીની જાણકારી માટે ઈન્ટ્રુઝન ડિવાઈસ લગાવાશે
- રેલવેએ ગુજરાત હાઈકોર્ટને આપ્યો રિપોર્ટ
- ડિવાઇસને લીધે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટને જાણ થઈ જશે,
- સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઊભા કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં સિંહોની વસતી સાથે તેના વિસ્તારમાં પણ વધારો થયો છે. હવે સિંહોએ અમરેલી અને ભાવનગર જિલ્લાના નવા વિસ્તારોમાં રહેઠાણ બનાવ્યુ છે. વનરાજો રેલવે ટ્રેક પર આવી જતાં હોવાથી સિંહોની સલામતી માટેનો પ્રશ્ન ઊભો થયો હતો. અમરેલીના પીપાવાવ-રાજુલા, સાવરકૂંડલા અને છેક ખાંભા સુધી રેલવે ટ્રક પર સિંહ આવી જતાં ગુડઝ ટ્રેનો રોકવાની ટ્રેનના પાયલટને ફરજ પડી હતી. દરમિયાન રેલવે ટ્રેક પર સિંહોના મોતને મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહરેહિતની રિટની સુનાવણીમાં રેલવે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો. રેલવે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કેસમાં છેલ્લી મુદ્દત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી
ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાતમાં રેલવેટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા માટે રેલવે વિભાગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.. રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે 50 કિમીના વિસ્તારમાં AI બેઝ્ડ ઈન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ડિવાઇસના કારણે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટ અને વન વિભાગના અધિકારીને જાણ થઈ જશે, જેથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુને લઈને સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી આવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં રેલવે તરફથી જણાવાયું હતું કે રેલવેટ્રેકની 50 મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ નામનું વિશેષ મશીન લગાવવામાં આવશે, જેમાં ફાઇબર કેબલ જંગલમાંથી પસાર થતી રેલવેલાઈનને સમાંતર નાખવામાં આવશે, જેથી સિંહોની અવરજવરની અગાઉથી રેલવે પાયલોટ અને વન વિભાગના અધિકારીઓને ખબર પડતાં અકસ્માત અટકાવી શકાશે. રેલ વિભાગે આ માટે ટેન્ડર જાહેર કર્યું છે. પહેલા 50 કિલોમીટર રેલલાઈનમાં પ્રાયોગિક ધોરણે એનો અમલ કરવામાં આવશે. પછી યોગ્ય પરિણામો મળતાં આગળ બીજાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
અગાઉ આ કેસની સુનાવણીમાં કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે 12 જુલાઈની છેલ્લી સુનાવણી બાદ પણ બે ઘટના બની છે, જેમાં એક ઘટનામાં એક સિંહણ અને બે સિંહબાળનાં કંકાલ શંકાસ્પદ હાલતમાં મળ્યાં છે. તો લિલિયા અને અમરેલી વચ્ચેની રેલલાઈનમાં ગત 25 જુલાઈના રોજ પેસેન્જર ટ્રેન સાથે એક 09 વર્ષીય સિંહ અથડાયો હતો, જેને ગંભીર ઇજાઓ થતાં એનું મોત થયું છે. મોતનું યોગ્ય કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. જ્યારે વન વિભાગે જણાવ્યું હતું કે 25 જુલાઈના અકસ્માતમાં ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોર્ટે પૂછ્યું હતું કે SOP બન્યા બાદ કેવી રીતે અકસ્માત બન્યો? કોર્ટે આ અંગે સરકારનો ખુલાસો માગ્યો હતો, જોકે આજે તેની ઉપર વધુ ચર્ચા થઈ નથી. હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઇલેવલ કમિટી બનાવે, જે સિંહોના આકસ્મિક મૃત્યુનાં કારણો અને એને અટકાવવાના ઉપાયો શોધીને એક SOP બનાવે, જેમાં રેલવેએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યની એક કમિટી બનાવવામાં આવી છે. એમાં 05 સભ્યો વન વિભાગના અને 05 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે.