ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ અને ખાનૌરી સરહદે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
અગ્રણી ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલેવાલ અને સરવન સિંહ પંધેરની અટકાયત બાદ પંજાબમાં શંભુ અને ખાનૌરી સરહદો પર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક અનિર્ણિત રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતો વધુ વિરોધ માટે શંભુ બોર્ડર તરફ ગયા હતા.
ખેડૂત નેતાઓ શંભુ સરહદ તરફ જઈ રહ્યા હતા, પરંતુ તેમના કાફલાને મોહાલીમાં પંજાબ પોલીસે અટકાવ્યો હતો. જ્યાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પંજાબ પોલીસે ખાનૌરી અને શંભુ સરહદ પરથી વિરોધ કરી રહેલા ખેડૂતોને દૂર કરવાનું શરૂ કર્યું હતું. જે કૃષિ કાયદાઓ અને અન્ય મુદ્દાઓ સામે ચાલી રહેલા વિરોધને કારણે અવરોધિત છે. સાંજે પરિસ્થિતિ વધુ વણસી ગઈ કારણ કે પોલીસે વિરોધ સ્થળોને સાફ કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. રાત્રે લગભગ 9:30 વાગ્યા સુધીમાં, ખાનૌરી અને શંભુ બંને સ્થળો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હતા.
પટિયાલા રેન્જના ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુએ બાકીના પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા અને તેમને સ્વેચ્છાએ ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, અમે 3000 થી વધુ લોકો છીએ અને તમે ફક્ત થોડાક જ છો. તમારા નેતાઓને ચંદીગઢમાં પહેલેથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે બળનો ઉપયોગ કરવા માંગતા નથી, તેથી અમે દરેકને સ્વેચ્છાએ બસોમાં ચઢવા વિનંતી કરીએ છીએ."
કેન્દ્ર સરકારે તાજેતરમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી, જેમાં ચંદીગઢમાં પંજાબના કેન્દ્રીય મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનો સમાવેશ થાય છે. જે ખેડૂતોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસોના ભાગ રૂપે છે. જોકે, વાટાઘાટો કોઈ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ. દલેવાલ અને પાંધેર જેવા અગ્રણી નેતાઓની અટકાયત સાથે તણાવ વધી ગયો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત 4 મેના રોજ યોજાવાની છે. વધતી જતી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અધિકારીઓએ મુખ્ય વિરોધ સ્થળોનો વીજ પુરવઠો કાપી નાખ્યો અને ઇન્ટરનેટ બંધ કરી દીધું.