દિલ્હી-NCR માં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં ફેલાયેલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પકડી પાડ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ચારેય આરોપીઓ મોબાઇલ લેબોરેટરીમાં મેથામ્ફેટામાઇનનું ઉત્પાદન કરતા હતા, જેનો ટાર્ગેટ આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ન્યૂ ઈયર પાર્ટીઓ હતો. સ્પેશિયલ સેલે ત્રણ આરોપીઓને દિલ્હીમાં અને એકને બેંગલુરુમાંથી પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મેથામ્ફેટામાઇનનું મોટાભાગનું ઉત્પાદન રેવ પાર્ટીઓ અને મોટી નાઇટ ઇવેન્ટ્સ માટે થવાનું હતું.
સ્પેશિયલ સેલના DCP પ્રશાંત ગૌતમના જણાવ્યા મુજબ, એક આરોપીએ દિલ્હીમાં ચાલતા ટ્રકમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું હતું. પોલીસે ખુલાસો કર્યો કે આ કન્સાઇન્મેન્ટ ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાના ઇવેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મોટી માત્રામાં મેથામ્ફેટામાઇન વિદેશથી આયાત કરવામાં આવી હતી અને તેનુ વિતરણ ભારતની અંદર તથા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી પહોંચાડવાની યોજના હતી. હાલ પોલીસ આ ગેંગના વિદેશી કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ સ્પેશિયલ સેલની ટીમને અભિનંદન પાઠવી જણાવ્યું કે, “આ કાર્યવાહીથી રાજધાનીમાં ન્યૂ ઈયર પાર્ટીઓમાં થનારી ડ્રગ્સના પુરવઠાની ચેન સંપૂર્ણપણે તૂટી પડી છે.” તેમણે જણાવ્યું કે રાજધાનીને ડ્રગ્સ-મુક્ત બનાવવા માટે ઝુંબેશને વધુ આક્રમક બનાવી દેવામાં આવશે.