ભાવનગરમાં રૂપિયા 719 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયુ
- ગુજરાત સ્ટેટ સાયબર સેલએ 10 આરોપીની કરી ધરપકડ
- ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી નાણાની હેરાફેરી કરાતી હતી,
- ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત 'CIDCAT' સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી.
ભાવનગરઃ રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે ગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગને દબોચી લીધી છે. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીઓનો સમાવેશ થાય છે. સાયબર ફ્રોડ ગેન્ગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનાં નાણાંની હેરાફેરી કરતી હતી. પોલીસ તપાસમાં એવી હકિકત મળી છે કે, આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવતાં હતાં. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારનાં ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં.
સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ટોળકી દેશના 26 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય હતી. ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકની શાખામાં 110 જેટલા બોગસ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ દ્વારા ભોગ બનેલા લોકોના નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા થતા હતા. આ નાણાંને રોકડમાં ઉપાડી, આંગડિયા મારફતે ફેરવી અને અંતે USDT ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. આ ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત 'CIDCAT' સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ સાયબર સેલની તપાસમાં 30થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ઇન્ડસઇન્ડ બેંકના બે કર્મચારીએ કમિશનના આધારે આ ગેંગને સહાયતા કરી હતી. આરોપી અબુબકર, જે ઇન્ડસઇન્ડ બેંકનો કર્મચારી છે, તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ફ્રોડ ચેઇનનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું છે. સાયબર સેલનું કહેવું છે કે ફ્રોડ આચરતી આખી ચેઇનને ઝડપી પાડવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ સાયબર સેલના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર સુરક્ષા મજબૂત બનાવવા માટે સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વિશ્લેષણને વધુ શક્તિશાળી બનાવવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચાલતી વિશેષ ઝુંબેશ દરમિયાન આ સમગ્ર કાંડ બહાર આવ્યો છે. સાયબર ટીમે સમગ્ર નેટવર્કને ટ્રેસ કરીને 10 આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધોરણ 12 સુધીનું છે. તમામનું ફેમિલી બેકગ્રાઉન્ડ મિડલ ક્લાસ અથવા લોઅર ક્લાસ છે.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાના કહેવા મુજબ હાલમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક ઝુંબેશ ચાલી રહી છે, જેના અનુસંધાને FIU દ્વારા આપવામાં આવેલા ડેટા અને એની સાથે 1930ના ડેટાનો અભ્યાસ કરી ભાવનગરથી એક ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઈમની ભૂમિકા ભજવેલી હતી, જેમાં 33 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિકો પીડિત બન્યા હતા. આ ગેંગ 1594 જેટલા ગુનાઓમાં સંડોવાયાનું સાબિત થયું છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 300, તામિલનાડુ 203, કર્ણાટક 194 અને ગુજરાતના 97નો સમાવેશ થાય છે.