ઈઝરાયલના PM નેતન્યાહુ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કાઢ્યું ધરપકડ વોરન્ટ
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે. જો કે, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે લગાવેલા તમામ આરોપોને ઈઝરાયલે ફગાવ્યાં છે. તેમજ કોર્ટનો નિર્ણય તેમના અધિકારક્ષેત્રમાં આવતો નહીં હોવાનો દાવો કર્યો હતો.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફને યુદ્ધ અપરાધી ગણાવતા તેમની ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં, વિશ્વ અદાલતે જણાવ્યું હતું કે "ચેમ્બરે યુદ્ધ અપરાધો માટે જવાબદાર બે વ્યક્તિઓ, બેન્જામિન નેતન્યાહુ અને યોવ ગેલન્ટ સામે વોરંટ જારી કર્યું છે."
આમ ICC એ નેતન્યાહુ અને ઇઝરાયેલના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, ત્રાસ અને અમાનવીય કૃત્યોનો સમાવેશ થાય છે તેમજ યુદ્ધના ભાગરૂપે ભૂખમરાના યુદ્ધ અપરાધનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ઇઝરાયેલે ICC દ્વારા તેના નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આવો નિર્ણય ICCના અધિકારક્ષેત્રમાં આવતો નથી. ઈઝરાયેલના અગ્રણી વિપક્ષી નેતા યાયર લિપિડે પણ આ આદેશની નિંદા કરી અને તેને આતંકવાદનું ઈનામ ગણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, હમાસના આતંકવાદીઓએ ઓક્ટોબર 2023માં ઈઝરાયલમાં ઘુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જેના વિરોધમાં હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈને ઈઝરાયલે ગાઝામાં યુદ્ધનો આરંભ કર્યો હતો. એટલું જ નહીં હમાસને સમર્થન કરનાર પડોશી દેશના આતંકવાદી સંગઠનોને પણ ઈઝરાયલ ટાર્ગેટ કરી રહ્યું છે.