બલુચિસ્તાનના બે વિસ્તારમાં વિદ્રોહીઓએ સુરક્ષા દળો ઉપર હુમલો કરીને કબજો જમાવ્યો
નવી દિલ્હીઃ ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ પાકિસ્તાની સેનાના જવાનો ઉપર હુમલો કર્યો હતો. તેમજ બે વિસ્તાર ઉપર કબજો જમાવ્યો હોવાનું જાણવા મળે છે. ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર, બલુચિસ્તાન પ્રાંતમાં વિદ્રોહીઓએ પોતાના હુમલા તેજ બનાવ્યાં છે. દરમિયાન કેચ, પંજગુર અને લાસબેલા જિલ્લામાં બ્લાસ્ટ કર્યાં હતા. કેચ અને પંજગુરુમાં હાજર સેનાના જવાનોને માર મારીને ભગાવ્યાં હતા. તેમજ બંને વિસ્તારમાં પોતાનો કબજો જમાવ્યો હતો.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેચ વિસ્તારમાં રહેલા યોદ્ધાઓએ નાકાબંધી કરી હતી. નાકાબંધી બાદ પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ ઉપર હુમલો કર્યો હતો. અહીં હાજર પાકિસ્તાન સરકારના અધિકારીઓ અને જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ કેચ વિસ્તારમાં હાજર સરકારી કચેરીઓને આગ લગાવી હતી. આ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો અને સરકારી કર્મચારીઓ ભાગી ગયા હતા. જે બાદ બલુચ વિદ્રોહીઓએ આ વિસ્તાર ઉપર પોતાનો કબજો હોવાનો દાવો કર્યો હતો. આવી જ સ્થિતિ પંજગુરુમાં જોવા મળી હતી. પંજગુરમાં બલોચ વિદ્ધોહીઓએ પહેલા નાકાબંધી કરી અને તે બાદ હુમલો કર્યો હતો. તેમજ લાસબેલામાં વિદ્રોહીઓએ 3 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.
ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓના હુમલા વધ્યાં છે. ગત સપ્તાહએ પાંચથી વધારે જગ્યા ઉપર બલૂચ વિદ્રોહીઓએ હુમલા કર્યાં હતા. બલુચિસ્તાનમાં વિદ્રોહને ઠંડો પાડવા માટે પાકિસ્તાનની સરકારે 150 જેટલા બલોચ આંદોલનકારીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન સરકારના મતે પરિસ્થિતિને કન્ટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જો કે, સરકારના નિર્ણયની કોઈ અસર વિદ્રોહીઓ ઉપર જોવા મળી નથી.