ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવની ફરિયાદ બાદ ICUમાં ખસેડાયો
નવી દિલ્હીઃ ભારતીય વનડે ટીમના ઉપકપ્તાન શ્રેયસ અય્યરને સિડનીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવ (ઇન્ટરનલ બ્લીડિંગ)ની ફરિયાદ છે, જેના કારણે તેમને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમની રીકવરીની ગતિ પર આધારિત રહેશે.
શ્રેયસ અય્યરને સિડનીમાં રમાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. ઑસ્ટ્રેલિયાની ઈનિંગ્સની 34મા ઓવરમાં હર્ષિત રાણાની બોલ પર એલેક્સ કેરીનો કૅચ લેવાના પ્રયાસ દરમિયાન શ્રેયસ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બૅકવર્ડ પૉઇન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા અય્યરે પાછળ દોડી અદ્ભુત કૅચ તો પકડી લીધો, પરંતુ તે દરમિયાન તેમની પસલીઓમાં ભારે આંચકો લાગ્યો હતો. ઇજાના કારણે તેઓ પેટ અને છાતીમાં ભારે દુખાવાને કારણે મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી હતી અને અય્યરને સારવાર માટે મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા.
તાજેતરના અહેવાલો મુજબ શ્રેયસ અય્યરની હાલત સ્થિર છે, પરંતુ તેમને સાવચેતીના ભાગરૂપે સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ અને BCCIની મેડિકલ યુનિટ તેમની સ્વસ્થતાની સતત દેખરેખ રાખી રહી છે. પ્રશંસકો અને સાથી ખેલાડીઓએ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરી છે.