મોંઘવારીએ લોકોના રસોડાનું બજેટ બગાડ્યું: રાહુલ ગાંધી
- રાહુલ ગાંધીએ દિલ્હીમાં શાકભાજી માર્કેટની લીધી મુલાકાત
- શાકભાજી ખરીદતી મહિલાઓ સાથે કર્યો સંવાદ
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે શાકભાજીના ભાવ વધારાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા અને આરોપ લગાવ્યો કે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ બગડી ગયું છે, પરંતુ સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે મંગળવારે વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, "થોડા દિવસો પહેલા હું એક સ્થાનિક શાક માર્કેટમાં પહોંચ્યો હતો અને ગ્રાહકો સાથે ખરીદી કરતી વખતે વિક્રેતાઓ સાથે વાત કરી હતી. મોંઘવારીએ દરેકને પરેશાન કરી દીધા છે. તેમણે કહ્યું, "અમે લસણ, વટાણા, મશરૂમ અને અન્ય શાકભાજીના ભાવ અંગે ચર્ચા કરી અને લોકોના વાસ્તવિક અનુભવો સાંભળ્યા. કેવી રીતે 400 રૂપિયા પ્રતિ કિલો લસણ અને 120 રૂપિયા પ્રતિ કિલો વટાણાએ દરેકના બજેટને હચમચાવી નાખ્યું છે. લોકો શું ખાશે અને શું બચાવશે."
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, "તમે પણ મોંઘવારીની અસર અનુભવી રહ્યા છો. અમને કહો, તમે આ સમસ્યા સાથે કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છો - તમે બજારની સ્થિતિ પહેલાથી જ જાણો છો, તમે તમારા અંગત અનુભવો પણ અમારી સાથે શેર કરો." રાહુલ ગાંધીએ આ વીડિયો 'X' પર પોસ્ટ કર્યો અને આરોપ લગાવ્યો કે, "વધતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગાડ્યું છે - સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે."