ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી
- રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
- જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
- રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર પહોંચ્યાં હતા. દરમિયાન રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના ઈતિહાસમાં આઝાદી બાદ અનેકવાર કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યમાં બદલવામાં આવ્યાં છે. જ્યારે એક જ ઉદાહરણ છે કે, જ્યારે કોઈ રાજ્યનો દરજ્જો પરત ખેંચીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો છે. અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે, જમ્મુ-કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ અમારા માટે અને દેશના લોકો માટે જરુરી છે. જેથી અમે અહીં પહેલા આવ્યાં છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યો છે. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનની વિચારચારાએ પ્રેમ અને એકતાના નરેન્દ્ર મોદીના સેલ્ફ કોન્ફિડેંસને તોડી નાખ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું આખા દેશમાં લોકતંત્રની રક્ષા કરું છું પરંતુ મારો હેતુ જમ્મુ-કાશ્મીરના લોકોના દિલની પીડાને દૂર કરવાનો છે. તમારે જે સહન કરવું પડે છે, તમે જે ડરમાં રહો છો, તમે જે દુ:ખ અનુભવો છો, જેને હું, મલ્લિકાર્જુન ખડગે અને આખી કોંગ્રેસ પાર્ટી હંમેશા માટે દૂર કરવા માંગે છે. અમે નફરતને પ્રેમથી હરાવીશું. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે તેમનો સંબંધ જમ્મુ-કાશ્મીર સાથે છે. તેથી, અમે અપેક્ષા રાખીએ છીએ કે જમ્મુ-કાશ્મીરના લોકો આવનારી ચૂંટણીમાં અમને ચોક્કસ સમર્થન આપશે પરંતુ તમારે તમારી બધી તાકાત વાપરવી પડશે. ભાજપ હંમેશા નક્કી કરે છે કે ચૂંટણી ક્યાંથી શરૂ કરવી, કઈ રીતે લોકોને ચૂંટવા અને તેમનો બધો ગુસ્સો કોંગ્રેસ પર છે અન્ય પક્ષો પર નહીં કારણ કે અન્ય પક્ષો ચૂંટણી લડતા નથી. લડવા માટે એક જ બહાદુર વ્યક્તિ છે અને તે છે રાહુલ ગાંધી. તેથી, જેઓ ડરતા હોય તેમને ટેકો ન આપો.
#RahulGandhi #PMModi #KashmirPolitics #JammuAndKashmir #PoliticalDebate #IndiaPolitics #RahulVsModi