થાનમાં સિરામિક એકમોમાં CGSTના અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો પરેશાન
- 200થી વધુ ઉદ્યોગકારોની બેઠક મળી
- ચેકિંગના બહાને આવતા અધિકારીઓ ધમકી આપીને તોડ કરી રહ્યા છે
- ઉદ્યોગકારો હવે દિલ્હી સુધી રજુઆતો કરશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં સિરામિકના અનેક એકમો આવેલા છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ છાશવારે ચેકિંગ માટે આવીને ઉદ્યોગકારોને ધમકી આપીને તોડ કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે આ પ્રશ્નના હલ માટે રવિવારે થાનમાં સિરામિક એસોસીએસનની બેઠક મળી હતી. જેમાં 200થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. સીજીએસટીની કનડગત બંધ નહીં કરાય તો દિલ્હી સુધી રજૂઆત કરીને લડી લેવાનો નિર્ણય કરાયો હતો.
થાનમાં મળેલી આ બેઠકમાં પાંચાળ સિરામિક એસોસિએસનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગ તે લઘુ ઉદ્યોગમાં આવે છે જેના માટે આપણે આગળ જતા જીએસટીનો દર કેમ ઓછો થાય અને આપણને બીજા ધંધાકીય લાભ કેમ મળે તે માટે ખાસ મહેનત કરવાની રહેશે. પાંચાલ સિરામિક એસો.ના ઉપ પ્રમુખ શાંતીલાલ પટેલ, વિજયભાઇ ભગત, લઘુઉદ્યોગ ભારતી પ્રદેશ મંત્રી સંજયભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉદ્યોગકારોએ એવી રજુઆત કરી હતી કે, સીજીએસટીના ચેકિંગના બહાને આવેલા અધિકારીઓએ જુદા જુદા કારખાનામાં નાના મોટા ફોલ્ટ બતાવીને અલગ અલગ રકમના તોડ કરી રહ્યા છે. 4થી 5 કારખાનામાં મળીને કુલ રૂ.1.35 કરોડના તોડ થયાનું કહેવામાં આવે છે
સિરામિક ઉદ્યોગકારોની બેઠકમાં એવી પણ ચર્ચા તઈ હતી કે, કોઇ અધિકારી ચેકિંગ માટે આવે ત્યારે સૌ પ્રથમ અધિકારીઓના આઇકાર્ડ માંગવા જોઇએ. કઇ બાબતે નોટિસ છે તેની તપાસ કરવી. રેડ પહેલા જોઇન્ટ કમિશનરની પરવાનગી લેવાની હોય છે તે છે કે નહીં તે પણ જોવું જોઇએ. આ બાબતે સિરામિકના ઉદ્યોગકારોને જાગૃત કરાશે.