ઈન્ડિગો સંક્ટઃ ભાડા વધારા મુદ્દે સરકાર આકરા પાણીએ, વધારે ભાડુ ન વસૂલવા કંપનીઓને તાકીદ
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઇનના સંચાલન સંકટને કારણે કેટલીક એરલાઇન્સ દ્વારા મુસાફરો પાસેથી અસામાન્ય રીતે વધુ હવાઈ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્ર સરકારે આજે (શનિવારે) તમામ એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે, મુસાફરો પાસેથી નિયત મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલવું નહીં. આ નિર્દેશોનું પાલન ન કરનાર એરલાઇન્સ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટ સિસ્ટમ ખોરવાતા સતત પાંચ દિવસથી મુસાફરો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. આ મામલે વિપક્ષે પણ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ત્યારે હવે પાંચ દિવસે સરકાર આ મામલે સફાળી જાગી છે અને મુસાફરોની સુવિધાને લઈને અસરકારક પગલા લઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઈન્ડિગો દ્વારા છેલ્લા પાંચ દિવસમાં 2,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધેલા ભાડાથી લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ડિગોનો સ્થાનિક ઉડ્ડયન બજારમાં લગભગ 60 ટકા જેટલો મોટો હિસ્સો છે.
ઈન્ડિગોના ઓપરેશનમાં મુશ્કેલી આવવાને કારણે મુસાફરોને એક તરફ ફ્લાઇટ્સ રદ થવાનો માર પડ્યો છે, તો બીજી તરફ વિમાનના ભાડામાં બેફામ વધારો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મુસાફરોને કોઈપણ પ્રકારની નફાખોરીથી બચાવવા માટે, મંત્રાલયે તમામ અસરગ્રસ્ત રૂટ પર યોગ્ય અને વાજબી ભાડું સુનિશ્ચિત કરવા માટે પોતાની નિયમનકારી સત્તાનો ઉપયોગ કર્યો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તમામ એરલાઇન્સને એક સત્તાવાર નિર્દેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં નિર્ધારિત ભાડાની મર્યાદાનું કડક પાલન કરવું હવે અનિવાર્ય છે. મંત્રાલયના નિવેદન મુજબ, જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર ન થાય ત્યાં સુધી આ મર્યાદાઓ લાગુ રહેશે. આ નિર્દેશનો હેતુ સ્પષ્ટ છે કે, બજારમાં કિંમત નિર્ધારણનું અનુશાસન જાળવવું, સંકટગ્રસ્ત મુસાફરોનું કોઈપણ પ્રકારનું શોષણ અટકાવવું અને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સહિત જે નાગરિકોને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર છે, તેમને આ સમયગાળા દરમિયાન નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવું છે.