ઈન્ડિગો ફ્લાઈટ સંકટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પાંચમાં દિવસે પણ અનેક ફ્લાઈટો રદ કરાઈ
નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ થવાના અને વિલંબિત થવાના મામલે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને આ સમગ્ર સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લેવા અને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. દરમિયાન આજે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બીજી તરફ ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં વિશેષ ટ્રનની સાથે વિવિધ ટ્રેનમાં વધારા કોચ જોડવાનો નિર્ણય લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટમાં પત્ર દ્વારા દાખલ કરાયેલી આ પિટિશનમાં જણાવાયું છે કે ઈન્ડિગો દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવા અને ગંભીર વિલંબના કારણે દેશભરના એરપોર્ટ્સ પર લાખો મુસાફરો ફસાયા છે, જેના કારણે એક પ્રકારનું માનવીય સંકટ પેદા થયું છે. વકીલ મિશ્રાએ આ સ્થિતિને મુસાફરોના મૂળભૂત અધિકાર, ખાસ કરીને અનુચ્છેદ 21 (જીવન અને ગરિમાના અધિકાર)નું ગંભીર ઉલ્લંઘન ગણાવીને સુપ્રીમ કોર્ટ પાસે ત્વરિત હસ્તક્ષેપની અપીલ કરી છે.

પિટિશનમાં રજુઆત કરવામાં આવી છે. સતત ચોથા દિવસે (5 ડિસેમ્બર) ઈન્ડિગોની સેવાઓ ખોરવાઈ છે. છ મોટા મેટ્રો શહેરોમાં એરલાઇનનું ઓન-ટાઇમ પરફોર્મન્સ ઘટીને 8.5 ટકા થઈ ગયું છે. જેના પરિણામ સ્વરૂપ હજારો મુસાફરો (જેમાં વૃદ્ધો, બાળકો, દિવ્યાંગો અને બીમાર લોકોનો સમાવેશ થાય છે) એરપોર્ટ્સ પર કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. એટલું જ નહીં એરપોર્ટ્સ પર ભોજન, પાણી, આરામ, દવાઓ અને રહેવાની પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી ન હતી.
પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ઈન્ડિગોએ નવા ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) ફેઝ-2 લાગુ કરવામાં ગંભીર ચૂંક કરી છે. પાઇલટોની સુરક્ષા અને થાકને ધ્યાનમાં રાખીને આ નિયમો લાગુ કરાયા હતા, પરંતુ એરલાઇનની ખામીયુક્ત પ્લાનિંગ અને રોસ્ટરિંગના કારણે આખી સિસ્ટમ ખોરવાઈ છે. આને ગંભીર કુપ્રબંધન અને મુસાફરો સાથે અન્યાય ગણાવવામાં આવ્યો જોઈએ. એટલું જ નહીં ઉડાન રદ થવાને કારણે મુસાફરો એક તરફ એરપોર્ટ પર ફસાયેલા છે, ત્યારે બીજી તરફ ટિકિટોની કિંમતોમાં અચાનક વધારો થઈ ગયો છે. પિટિશનમાં માંગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે તુરંત સ્વતઃ સંજ્ઞાન લઈ સ્પેશિયલ બેંચ બનાવીને તાત્કાલિક સુનાવણી કરે અને ઈન્ડિગોને મનસ્વી રીતે રદ્દીકરણ અટકાવવા અને ફસાયેલા મુસાફરોને મફત વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાનો આદેશ આપે.