ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં તમામ બાકી રિફંડ ચૂકવી દેવાનો કડક નિર્દેશ આપ્યો છે. જો આ સમયમર્યાદા સુધીમાં એરલાઇન મુસાફરોનું રિફંડ નહીં ચૂકવે, તો આગળની તપાસ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઈન્ડિગો સંકટને પગલે સતત પાંચ દિવસથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે સરકાર સફાળી જાગી છે અને પ્રવાસીઓની સુવિધાઓને લઈને પગલા લઈ રહી છે. દરમિયાન રદ કરાયેલી ફ્લાઇટ્સના મુસાફરોને રાહત આપવા માટે મંત્રાલયે અન્ય મહત્વના આદેશો પણ આપ્યા છે.* એરલાઇને ફસાયેલા મુસાફરો માટે હોટેલ, ભોજન તેમજ વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 24×7 હેલ્પલાઇન પણ સ્થાપિત કરવામાં આવી છે.
મંત્રાલયે એરપોર્ટ પર પડેલા મુસાફરોના સામાન અંગે પણ કડક નિર્દેશ આપ્યો છે. એરલાઇને 48 કલાકની અંદર ગ્રાહકોનો સામાન તેમના સુધી પહોંચાડવો પડશે. આ માટે એરલાઇને મુસાફરોનો સંપર્ક કરીને સામાન તેમના ઘર સુધી પહોંચાડવો પડશે. મંત્રાલયના આ આદેશોથી એવા મુસાફરોને મોટી રાહત મળવાની આશા છે, જેઓ ફ્લાઇટ કેન્સલ થયા પછી રિફંડ અને અન્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે.
સતત પાંચમા દિવસે પણ ઈન્ડિગોની ઉડાન રદ્દીકરણનો સિલસિલો યથાવત રહ્યો હતો. શનિવારે મુંબઈમાં 109, દિલ્હીમાં 86, અમદાવાદમાં 19 અને તિરુવનંતપુરમમાં 6 જેટલી ફ્લાઈટ્સ રદ થઈ હતી. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફેલાયો છે.