For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક : ઋષિકેશ પટેલ

11:57 AM Aug 22, 2025 IST | revoi editor
સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક   ઋષિકેશ પટેલ
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત "સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા" વિષય પરના સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ભારત માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે. મંત્રીએ ઇતિહાસના પ્રસંગો ટાંકીને કહ્યું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈને તેને વિદેશમાં તૈયાર માલ તરીકે વેચતા હતા, જેના કારણે ભારતની ધન-સંપત્તિ વિદેશમાં ખેંચાઈ ગઈ હતી. આના જવાબમાં 1905માં લોકમાન્ય ટિળક જેવા ક્રાંતિવીરોએ સ્વદેશીનો વિચાર આપ્યો. મહાત્મા ગાંધીએ આ વિચારને દેશભરમાં ફેલાવ્યો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવી.

Advertisement

પટેલે આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે આપણા દેશના શ્રમિકો, કારીગરો અને વૈજ્ઞાનિકો દરેક પ્રકારના ઉત્પાદન માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે કહ્યું કે ભારત હવે વૈશ્વિક બજારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 'યુગાનુકૂલ ભારત'ના વિચારને અમલમાં મૂકવો પડશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે વિદેશી FMCG કંપનીઓ ભારતના પૈસા વિદેશમાં લઈ જાય છે. ભારત આજે દવાઓ, રસીઓ અને તબીબી ઉપકરણો સહિત દરેક વસ્તુનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે સક્ષમ છે.

મંત્રીએ યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે. તેમણે બહેનો અને દીકરીઓને સૌંદર્ય પ્રસાધનો ખરીદતી વખતે હર્બલ, આયુર્વેદિક અને સ્વદેશી ઉત્પાદનો પસંદ કરવાનું સૂચન કર્યું.મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે ભારત પર કોઈની જોહુકમી ચાલી નથી અને ચાલશે પણ નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના યુવાનો 2047 પહેલા વિકસિત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે.

Advertisement

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે સ્વદેશી માત્ર એક વિચાર નહીં, પરંતુ એક વ્યવહાર છે. પડકારજનક પરિસ્થિતિઓમાં વિદેશી વસ્તુઓને છોડીને, આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈએ. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરે જણાવ્યું કે ભારત યુવાનોનો દેશ છે, જે ઉત્પાદન ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે PPE કિટ જેવી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરીને નિકાસ કરવાનું શરૂ કર્યું અને આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના કમિશનર દિલીપ રાણા, યુનિવર્સિટીના કુલસચિવ પીયૂષ પટેલ અને મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement