અમેઠીમાં AK-203 અસોલ્ટ રાઇફલનું સ્વદેશી ઉત્પાદન હવે અંતિમ તબક્કામાં: 100 ટકા ઇન્ડિજેનાઇઝેશનનો લક્ષ્ય
અમેઠીઃ ભારતના રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટું માઇલસ્ટોન નોંધાવા જઈ રહ્યું છે. અમેઠી સ્થિત ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા બનેલી AK-203 અસોલ્ટ રાઇફલ, જેનું ભારતીય નામ ‘શેર’ રાખવામાં આવ્યું છે, હવે 100 ટકા સ્વદેશી બનવાના આરે છે. કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ સ્વદેશીકરણ પૂર્ણ થઈ જશે. આ રાઇફલ રશિયન વિશ્વસનીયતા અને ભારતીય આત્મનિર્ભરતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ ભારતની “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ દેશની સ્મોલ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા માટે એક મોટો કૂદકો સાબિત થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, IRRPLનો લક્ષ્ય છે કે 2026થી દર વર્ષે આશરે 1.5 લાખ રાઇફલ (માસિક 12,000) બનાવવામાં આવશે. આમાંથી 1.2 લાખ રાઇફલ ભારતીય સેનાને આપવામાં આવશે, જ્યારે 30,000 રાઇફલ રાજ્ય પોલીસ, અર્ધલશ્કરી દળો અને નિકાસ માટે રહેશે. હાલમાં 2025ના મધ્ય સુધી AK-203ના 50% ભાગો ભારતમાં જ બન્યા છે, અને ડિસેમ્બર સુધી 100% સ્વદેશી ઉત્પાદન થશે. સ્વદેશીકરણ બાદ કંપની મિત્ર દેશોને નિકાસ કરવાની યોજનામાં છે.
હાલના કરાર મુજબ IRRPLને ભારતીય સશસ્ત્ર દળોને કુલ 6,01,427 AK-203 રાઇફલ્સ સપ્લાય કરવાની છે. કંપનીના ઉત્પાદનની ગતિ તેજ હોવાથી, હવે તે ડિસેમ્બર 2030 સુધી તમામ ડિલિવરી પૂરી કરવાની આશા છે, જે નક્કી સમય (ઓક્ટોબર 2032) કરતાં લગભગ બે વર્ષ વહેલી રહેશે.
- AK-203 ‘શેર’ રાઇફલની મુખ્ય વિશેષતાઓ
કૅલિબર: 7.62×39 મિ.મી.
ફાયરિંગ રેટ: 700 રાઉન્ડ પ્રતિ મિનિટ
પ્રભાવશાળી રેન્જ: 400 મીટર (અધિકતમ 800 મીટર)
વજન: 3.8 કિ.ગ્રા. (ખાલી)
મેગઝિન ક્ષમતા: 30 રાઉન્ડ
ફાયર મોડ: સેમી અને ફુલ ઑટોમેટિક
સાઇટ્સ: નાઇટ વિઝન અને ઑપ્ટિકલ કમ્પેટિબલ
ફિનિશ: મેટ બ્લેક એન્ટી-રસ્ટ કોટિંગ સાથે
સ્ટોક: ફોલ્ડેબલ પોલિમર
- વાર્ષિક ઉત્પાદન ક્ષમતા: 1.5 લાખ રાઇફલ (2026થી)
અમેઠીનો આ પ્રોજેક્ટ ભારત-રશિયા રક્ષણ સહયોગની મજબૂત નિશાની છે. અહીં રશિયન ટેક્નોલોજી અને ભારતીય ઇજનેરિંગના સમન્વયથી સંપૂર્ણ સ્થાનિક ઉત્પાદન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 
 
            