ભારતના વક્ફ કાયદાનું હવે સંયુક્ત આરબ અમીરતના ઈમામે સમર્થન કર્યું
હવે સંયુક્ત આરબ અમીરાતના એક ઇમામે ભારતમાં વક્ફ બોર્ડ બિલ અંગે ચાલી રહેલા વિવાદ પર એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી બધા ચોંકી ગયા છે. ગ્લોબલ ઇમામ કાઉન્સિલ (GIC) ના ગવર્નિંગ સભ્ય મોહમ્મદ તૌહીદીએ ભારતીય મુસ્લિમોને વક્ફ બોર્ડ અંગે એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. મોહમ્મદ તૌહીદીએ કહ્યું કે વક્ફ બોર્ડનું સરકારી નિરીક્ષણ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે વકફ બોર્ડ ફક્ત મુસ્લિમો માટે જ નહીં પરંતુ તે હિન્દુઓ, અન્ય ધર્મોના લોકો અને સમગ્ર માનવતા માટે પણ ઉપયોગી હોવું જોઈએ.
મોહમ્મદ તૌહિદીએ કહ્યું, "મારું માનવું છે કે વકફ બોર્ડે ઇસ્લામ, મુસ્લિમો, સમાજ અને સમગ્ર માનવતાની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમ આપણે યુએઈમાં કર્યું છે." તેમણે કહ્યું કે સૌથી મહત્વની બાબત એ છે કે ધાર્મિક સંસ્થાઓ કાયદાનું પાલન કરે અને સકારાત્મક વલણ સાથે સમાજના કલ્યાણ માટે કામ કરે.
તૌહિદીએ કહ્યું કે યુએઈમાં વક્ફ બોર્ડ સંપૂર્ણપણે વ્યાવસાયિક રીતે કામ કરે છે. તેઓ કાયદેસર રીતે મજબૂત છે, સમાજમાં ખૂબ માન-સન્માન મેળવે છે, અને આ બોર્ડ દેશના વિવિધ ભાગોમાં દેશના મુસ્લિમ ધાર્મિક માળખાનું વધુ સારી રીતે સંચાલન કરે છે. તેમણે કહ્યું, "મને લાગે છે કે યુએઈનું વક્ફ બોર્ડ મુસ્લિમ દેશો અને ભારત જેવા દેશોના મુસ્લિમો માટે એક રોલ મોડેલ બની શકે છે." ભારતીય મુસ્લિમોને સલાહ આપતાં, મોહમ્મદ તૌહીદીએ કહ્યું કે યુએઈએ તેના દેશમાં બધા ધર્મો અને ધાર્મિક સ્થળો માટે એક સારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે, જે વિશ્વભરના મુસ્લિમો માટે એક રોલ મોડેલ બની શકે છે.
તેમણે કહ્યું કે વકફ બોર્ડ ફક્ત મુસ્લિમો માટે જ નથી, પરંતુ તે મંદિરો, ચર્ચ અને અન્ય પૂજા સ્થળો માટે પણ છે. તે બધાને કાયદા હેઠળ રક્ષણ અને સન્માન આપવામાં આવે છે. સરકાર તેમની સંભાળ રાખે છે અને તેમની સેવા કરે છે. તૌહિદીએ સ્પષ્ટપણે કહ્યું કે આ બધા પર નજર રાખવી જરૂરી છે, પરંતુ કોઈને પણ ખાસ કે અલગ તરીકે જોવામાં આવતું નથી. બધા માટે સમાન કાયદા છે અને બધાએ તેનું પાલન કરવું જોઈએ.