અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ
દેશ બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન પણ હાજર હતા.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું, "બે વર્ષ પહેલાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. તાજેતરમાં, શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. હું ગર્વથી કહી શકું છું કે એક્સિઓમ-4 મિશનમાં જોડાવાનું આમંત્રણ તેમના તરફથી આવ્યું હતું. ભારતીય પ્રતિભાને હવે ઓળખ મળી રહી છે."
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા કહ્યું, "ભારતે છેલ્લા 10 વર્ષમાં અવકાશ ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 'ઓપરેશન સિંદૂર' એ અમને પાકિસ્તાનની ધરતી પર આ ટેકનોલોજીનું પરીક્ષણ કરવાની તક આપી અને દુનિયાને બતાવ્યું કે મોદી સરકારે છેલ્લા 11 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શું હાંસલ કર્યું છે."