ભારતનું મેટ્રો નેટવર્ક હવે 1,000 કિલોમીટર સુધી પહોંચી ગયું છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી.
આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દિલ્હી-એનસીઆરને ભારત સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ ભેટ મળી છે અને તેમણે ઉમેર્યું હતું કે, ભારતની શહેરી અવરજવરમાં વધારે વિસ્તરણ થયું છે. ભારતના વિકસિત શહેરોમાં જાહેર પરિવહનના ભવિષ્યને દર્શાવતી નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સુધીની તેમની અગાઉની સવારીને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે ઘણાં યુવાનો સાથે વાતચીત કરી હતી, જેઓ આનંદ અને આશાથી ભરપૂર હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નમો ભારત પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દિલ્હી-મેરઠ રુટ પર ટ્રાફિકમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. તેમણે દિલ્હી-એનસીઆરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "આજનો દિવસ ભારતની આધુનિક માળખાગત સફરમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે." તેમણે જણાવ્યું હતું કે, ભારતનું મેટ્રો નેટવર્ક અત્યારે 1,000 કિલોમીટર સુધી પહોંચી ગયું છે અને તેમણે તેને એક નોંધપાત્ર સિદ્ધિ ગણાવી હતી. તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2014માં જ્યારે દેશે તેમને તક આપી હતી, ત્યારે મેટ્રો કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોપ ટેનમાં પણ નહોતું અને જોકે છેલ્લાં 10 વર્ષમાં ભારત મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકારનાં વર્તમાન કાર્યકાળ દરમિયાન ભારત દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતું હશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ ભારતનું મેટ્રો નેટવર્ક માત્ર 248 કિલોમીટરનું હતું અને તે માત્ર પાંચ શહેરો પૂરતું મર્યાદિત હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં 752 કિલોમીટરની નવી મેટ્રો લાઇનનું ઉદઘાટન થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે દેશભરનાં 21 શહેરોમાં મેટ્રો સેવા કાર્યરત છે, જેમાં 1,000 કિલોમીટરથી વધારે મેટ્રો રૂટ હાલ ઝડપી વિકાસ હેઠળ છે.
દિલ્હી મેટ્રોના વિસ્તરણની નોંધ લઈને અને બે નવા રૂટના ઉદઘાટન અને શિલાન્યાસ સાથે પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુડગાંવ પછી હરિયાણાનો અન્ય એક ભાગ હવે મેટ્રો નેટવર્ક સાથે જોડાઈ ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, રિથાલા-નરેલા-કુંડલી કોરિડોર દિલ્હી મેટ્રો નેટવર્કનાં સૌથી મોટા વિભાગોમાંનો એક હશે, જે દિલ્હી અને હરિયાણામાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે જોડાણને મજબૂત કરશે તથા લોકો માટે અવરજવરને સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, ભારત સરકારનાં સતત પ્રયાસોને કારણે દિલ્હીમાં મેટ્રો રુટમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2014માં દિલ્હી-એનસીઆરમાં મેટ્રોનું કુલ નેટવર્ક 200 કિલોમીટરથી પણ ઓછું હતું અને અત્યારે તે બમણાથી પણ વધારે થઈ ગયું છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં એક દાયકામાં સરકારનું પ્રાથમિક ધ્યાન માળખાગત વિકાસ પર કેન્દ્રિત થયું છે." તેમણે નોંધ્યું હતું કે, દસ વર્ષ અગાઉ માળખાગત સુવિધા માટેનું બજેટ આશરે રૂ. 2 લાખ કરોડ હતું, જે હવે વધીને ₹11 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આધુનિક જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને શહેરોની અંદર અને એક શહેરને બીજા શહેર સાથે જોડવા પર. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, એક્સપ્રેસવે હવે દિલ્હીથી વિવિધ શહેરો સુધી વિકસી રહ્યા છે અને દિલ્હીને ઔદ્યોગિક કોરિડોર સાથે જોડવામાં આવી રહ્યો છે.
તેમણે નોંધ્યું હતું કે, એનસીઆરમાં મોટું મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે અને દિલ્હી-એનસીઆરમાં બે ફ્રેઇટ કોરિડોર કન્વર્ઝ થઈ રહ્યાં છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ દેશની આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરી રહ્યાં છે અને યુવાનો માટે રોજગારીની તકો પ્રદાન કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, "આધુનિક માળખું ગરીબો અને મધ્યમ વર્ગ સહિત દરેક માટે સન્માનજનક અને ગુણવત્તાયુક્ત જીવન સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે."
સરકાર દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આયુષ અને આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય ઔષધિ પદ્ધતિઓને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં આયુષ વ્યવસ્થા 100થી વધારે દેશોમાં વિસ્તૃત થઈ છે. શ્રી મોદીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પરંપરાગત ચિકિત્સા સાથે સંબંધિત પ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની સંસ્થાની સ્થાપના ભારતમાં થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, થોડાં અઠવાડિયા અગાઉ તેમણે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનાં બીજા તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આજે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને આ સિદ્ધિ માટે તેમણે દિલ્હીનાં લોકોને વિશેષ અભિનંદન પાઠવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત દુનિયામાં સ્વાસ્થ્ય અને સુખાકારીની મૂડી બનવાની પ્રચૂર સંભવિતતા ધરાવે છે." તેમણે નોંધ્યું હતું કે, એ દિવસ બહુ દૂર નથી, જ્યારે "મેક ઇન ઇન્ડિયા"ની સાથે-સાથે દુનિયા "હીલ ઇન ઇન્ડિયા"ને પણ મંત્ર તરીકે અપનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, વિદેશી નાગરિકોને ભારતમાં આયુષ સારવારનો લાભ મળે એ માટે આયુષ વિઝાની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે અને ટૂંકા ગાળામાં સેંકડો વિદેશી નાગરિકોને આ સુવિધાનો લાભ મળ્યો છે. ભારત સરકારના આ પ્રયાસો દિલ્હીને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું.