ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં કાપડ નિકાસ ત્રણ ગણી વધારીને 9 લાખ કરોડ કરવાનું છે: નરેન્દ્ર મોદી
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશના વિવિધ ભાગોમાંથી ઉદ્ભવતા કાપડમાં પ્રતિબિંબિત થાય છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનું વિઝન એક મિશન બની ગયું છે જે ભારતના વિકાસના ક્ષેત્રોને વિસ્તૃત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત આજે છઠ્ઠા ક્રમનો સૌથી મોટો કાપડ અને વસ્ત્રોનો નિકાસકાર છે. તેમણે કહ્યું કે કાપડ ક્ષેત્રમાં ભારતની નિકાસ હાલમાં ત્રણ લાખ કરોડ રૂપિયા છે અને ૨૦૩૦ સુધીમાં નવ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
પ્રધાનમંત્રીએ પ્રદર્શન વિસ્તારની પણ મુલાકાત લીધી અને પ્રદર્શકો સાથે વાતચીત કરી. ભારત ટેક્સ 2025, એક મુખ્ય વૈશ્વિક કાર્યક્રમ, ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો, એસેસરીઝ સહિત સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે. ભારત ટેક્સ પ્લેટફોર્મ એ ટેક્સટાઇલ ઉદ્યોગનો સૌથી મોટો અને સૌથી વ્યાપક કાર્યક્રમ છે જેમાં બે સ્થળોએ ફેલાયેલો મેગા એક્સ્પોનો સમાવેશ થાય છે અને સમગ્ર ટેક્સટાઇલ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે.