ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને 676.3 બિલિયન ડોલર પર પહોંચ્યો
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજેતરના આંકડા અનુસાર, 4 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 10.8 બિલિયન ડોલરથી વધીને 676.3 બિલિયન ડોલર થયો છે. આ સતત પાંચમા સપ્તાહ છે જ્યારે દેશના ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો છે.
આ વધારાનું સૌથી મોટું કારણ વિદેશી ચલણ સંપત્તિમાં 9 બિલિયન ડોલરનો વધારો હતો, જે હવે વધીને 574.08 બિલિયન ડોલર થઈ ગયો છે. ભારતના સોનાનો ભંડાર પણ 1.5 અબજ ડોલર વધીને 79.36 અબજ ડોલર થયો છે. તેવી જ રીતે, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) પણ 186 મિલિયન ડોલરથી વધીને 18.36 બિલિયન ડોલર થયા.
RBIના મતે છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિદેશી વિનિમય બજારમાં તેની દખલગીરી અને ચલણના પુનર્મૂલ્યાંકનને કારણે ફોરેક્સ રિઝર્વમાં સુધારો થયો છે. સપ્ટેમ્બર, 2024 માં ભારતનું ફોરેક્સ રિઝર્વ 704.88 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું.
ફોરેક્સ રિઝર્વ ભારતીય રૂપિયાને અમેરિકન ડોલર સામે સ્થિર રાખવામાં મદદ કરે છે, જે દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે. જો ફોરેક્સ રિઝર્વ વધારે હોય તો જરૂર પડ્યે, RBI ડોલર વેચીને રૂપિયાને ઘટતા બચાવી શકે છે.
વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ ફેબ્રુઆરી, 2025 માં ભારતની વેપાર ખાધ ઘટીને 14.05 બિલિયન ડોલર થઈ, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે. આ સમયગાળા દરમિયાન ભારતની નિકાસ લગભગ સ્થિર રહી અને આયાતમાં ઘટાડો થયો. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત.