ભારતની નિકાસમાં વર્ષ 2024-25 માં 5.5 ટકાનો વધારો
નવી દિલ્હીઃ દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ 820.93 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 778.13 અબજ ડોલર હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ, દેશની કુલ નિકાસ 820.93 અબજ ડોલર જ્યારે કુલ આયાત 915.19 અબજ ડોલર હોવાનો અંદાજ છે. એક માહિતી અનુસાર, આ વર્ષે માર્ચમાં ભારતની વેપાર ખાધ વધીને 21.54 અબજ ડોલર થઈ છે.
દરમિયાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થઈ ગયું છે. આ માહિતી ઉદ્યોગના ડેટામાંથી મેળવવામાં આવી છે. આ કુલ ઉત્પાદનમાંથી, એપલે ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી છે, એમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધને કારણે, ભારતમાં એપલનું ઉત્પાદન વધુ વધવાની ધારણા છે, જેના પરિણામે નિકાસમાં પણ વધારો થઈ શકે છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોન પર યુએસ ડ્યુટી નોંધપાત્ર રીતે ઓછી છે, જેના કારણે એપલ જેવી કંપનીઓ માટે ચીન કરતાં દેશમાં ઉત્પાદન વધારવું વધુ નફાકારક બને છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અનુસાર, ૨૦૨૪-૨૫ (એપ્રિલ-ફેબ્રુઆરી) ના ૧૧ મહિનામાં ભારતની સ્માર્ટફોન નિકાસ રૂ. ૧.૭૫ લાખ કરોડ ($૨૧ બિલિયન) ને વટાવી ગઈ છે, જે ૨૦૨૩-૨૪ ના સમાન સમયગાળાના સમાન આંકડા કરતા ૫૪ ટકા વધુ છે.