PoKની વાપસી અને આતંકી આકાઓ મામલે જ પાકિસ્તાન સાથે વાત કરવાનો ભારતનો સ્પષ્ટ સંદેશ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ભારતે અમેરિકાને સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત PoK અને આતંકના આકાઓ મામલે થશે. આ સિવાય કોઈપણ પ્રકારની વાતચીત થશે નહીં.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, "કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, ફક્ત એક જ મુદ્દો બાકી છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની વાપસી. આ સિવાય વાત કરવા માટે કંઈ નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરે છે તો આપણે વાત કરી શકીએ છીએ. અન્ય કોઈ વિષય પર અમારો કોઈ ઇરાદો નથી. તેમજ આ મામલે અમને કોઈની મધ્યસ્થી જોઈતી નથી." સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ એક અલગ ઘટના હતી અને પાકિસ્તાન સામેની કાર્યવાહી ચાલીસ વર્ષના આતંકવાદનું પરિણામ હતી.
'યુદ્ધવિરામ'નો ઉપયોગ કેમ ન કરવામાં આવ્યો તે અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, "ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. આપણે એક નવા સામાન્ય તબક્કામાં છીએ. એટલા માટે આપણે 'સમજણ' અને ગોળીબાર બંધ કરવા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ. દુનિયાએ આ સ્વીકારવું પડશે. પાકિસ્તાને આ સ્વીકારવું પડશે, તે હંમેશની જેમ ચાલી શકે નહીં."