પાકિસ્તાન ઉપર ભારતની એરસ્ટ્રાઈકલની PSLને અસર, વિદેશી ખેલાડીઓએ પરત જવાની કરી માંગણી
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. એક પછી એક 9 હવાઈ હુમલાઓથી પાકિસ્તાન એટલું ડરી ગયું છે કે હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન સુપર લીગ બંધ થવા જઈ રહી છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ છતાં, પાકિસ્તાન સુપર લીગ (PSL) તેના નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઘણા વિદેશી ખેલાડીઓએ સ્વદેશ પાછા ફરવાની માંગ કરી છે. પીસીબી આ અહેવાલોને નકારી રહ્યું છે અને કહી રહ્યું છે કે કોઈ વિદેશી ખેલાડીએ પીએસએલ છોડવાની માંગ કરી નથી. લીગમાં દરેક ટીમમાં 5-6 વિદેશી ખેલાડીઓ હોય છે. લીગના મીડિયા મેનેજરોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ આ સમયે કોઈ પણ ખેલાડીએ છોડવાની વાત કરી નથી.
22 એપ્રિલના રોજ, ભારતના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો હતો અને દરેક વ્યક્તિ મોદી સરકાર અને સેના પાસેથી આતંકવાદ સામે મોટી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા હતા. બુધવારે ભારતે પાકિસ્તાનમાં એક પછી એક નવ હવાઈ હુમલા કર્યા હતા. આ બધા હુમલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે કોઈ પણ નાગરિક કે પાકિસ્તાની સેનાને નિશાન બનાવવામાં આવી નથી. સૌથી મોટી વાત એ હતી કે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હતા. ભારતનો મોસ્ટ વોન્ટેડ રઉફ અસગર પણ હવાઈ હુમલામાં માર્યો ગયો.