પહેલાગામ હુમલા બાદ ભારતની કાર્યવાહી, પાકિસ્તાનથી થતી આયાત ઉપર પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે પાકિસ્તાનથી થતી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી આવતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, પછી ભલે તે વસ્તુઓ મુક્તપણે આયાત કરી શકાય તેવી હોય કે ખાસ પરવાનગી સાથે આયાત કરવામાં આવી રહી હોય.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે તંગ બન્યાં છે. ભારત દ્વારા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતે સિંધુ જળ સંધિ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ફિલ્મ કલાકારો અને ક્રિકેટરો સહિતના આગેવાનો ઉપર ડિજીટલ સ્ટ્રાઈક કરીને એકાઉન્ટ બ્લોક કર્યાં હતા. આ ઉપરાંત પાકિસ્તાની મંત્રીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.