ભારતના વિકાસદરમાં 100 ટકા વૃદ્ધિએ દુનિયાને ચોંકાવ્યાં, અમિત માલવીયાએ કર્યો દાવો
નવી દિલ્હીઃ ભારતે છેલ્લા દાયકામાં પોતાની અર્થવ્યવસ્થા બમણી કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. IMFના તાજેતરના ડેટા અનુસાર, 2015માં ભારતનો GDP 2.1 ટ્રિલિયન ડોલર હતો, જે 2025 સુધીમાં વધીને 4.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. આ 105 % નો વિકાસ દર દર્શાવે છે, જે અમેરિકા (66 %) અને ચીન (76 %) જેવા વૈશ્વિક દિગ્ગજો કરતા પણ ઝડપી છે.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આઈએમએફને ટાંકીને સોશિયલ મીડિયા પર આ ડેટા શેર કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સિદ્ધિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને તેમની સરકારની સક્રિય આર્થિક નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું. "આઝાદી પછીની કોઈપણ પાછલી સરકાર દ્વારા આ એક અનોખી સિદ્ધિ છે. મોદી સરકારના સાહસિક સુધારાઓ અને વ્યવસાય કરવાની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વૈશ્વિક મહાસત્તાઓથી આગળ વધી રહ્યું છે," તેમણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું. નિષ્ણાતો માને છે કે આ શાનદાર વૃદ્ધિ માટે અનેક પરિબળો જવાબદાર છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. વધુમાં, મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને આઇટી ક્ષેત્રની સતત પ્રગતિએ આર્થિક વિકાસને વેગ આપ્યો છે. ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા વૈશ્વિક મંચ પર તેની સ્થિતિ મજબૂત કરી રહી છે. જ્યાં અમેરિકાનો GDP 30.3 ટ્રિલિયન ડોલર છે અને ચીનનો 19.5 ટ્રિલિયન ડોલર છે.