નવા ફેકટરી એક્ટ સામે વડોદરામાં ભારતીય મજુર સંઘે બિલની હોળી કરીને વિરોધ કર્યો
- શ્રમિકો માટે કામના કલાકો 8થી વધારી 12 કરાવાના કાયદાનો વિરોધ,
- ભારતીય મજુર સંઘે શ્રમિકો માટેનો "કાળો કાયદો" પાછો ખેંચવાની માગ કરી,
- સંઘ દ્વારા 21થી 27 સપ્ટેમ્બર દરમિયાન તમામ MLA-સંસદોને આવેદન અપાશે
વડોદરાઃ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રમાં શ્રમિકોના કામના કલાકો વધારતો નવા ફેકટરી એક્ટને મંજુરી આપવામાં આવી હતી.જેનો શ્રમિક સંગઠનોએ ભારે વિરોધ કર્યો છે. વડોદરામાં ભારતીય મંજુર સંઘ દ્વારા નવા ફેકટરી એક્ટની હોળી કરીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.અને સંઘે આ નિર્ણયને "કાળો કાયદો" ગણાવીને તેને પાછો ખેંચવાની માંગણી કરી છે.
ભારતીય મજદૂર સંઘ, વડોદરા દ્વારા ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ 1948માં કરવામાં આવેલા સુધારા અનુસંધાને કામદારોના કામના કલાકો 8થી વધારીને 12 કરવામાં આવ્યા છે, જેનો આજે સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કામદારોએ સૂત્રોચ્ચાર કર્યા અને બિલની હોળી કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભારતીય મજદૂર સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. ડી. મજમુદાર, જિલ્લા અધ્યક્ષ મનજીતસિંહ, જિલ્લા મંત્રી રમાશંકર, બાંધકામ ક્ષેત્રના સુરેશ સેલાર, પ્રદેશ મંત્રી કેયુર ગોહિલ અને અમિત બ્રહ્મભટ્ટ સહિત આશરે 100 કામદારો હાજર રહ્યા હતા. આ કામદારો વિવિધ ઉદ્યોગોમાંથી આવ્યા હતા, જેમને આ નવો કાયદો લાગુ પડે છે અને તેનાથી તેમની સલામતી તેમજ કામ કરવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.
આ અંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ મજમુદારે જણાવ્યું હતું કે, આ કાયદો કામદારોની સલામતી અને ક્ષમતાને અનુરૂપ નથી. અમે સ્પષ્ટપણે આ બિલનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે સરકાર આ કાયદો પાછો ખેંચે. કામદારો, માલિકો અને સરકારના પ્રતિનિધિઓએ બેસીને ચર્ચા કરવી જોઈએ અને ઉકેલ ન મળે ત્યાં સુધી આ કાયદાનું અમલીકરણ સ્થગિત કરવું જોઈએ. ભારતીય મજદૂર સંઘે આગામી યોજનાઓ પણ જાહેર કરી છે. 21થી 27 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં આ કાયદો પાછો ખેંચવાની માગ કરવામાં આવશે.