વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ જાહેરાત, જાડેજાને સોંપાઈ વાઈસ કેપ્ટનની જવાબદારી
નવી દિલ્હી: ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2 ઓક્ટોબરથી શરૂ થતી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન પંત ઈજાગ્રસ્ત હોવાથી વાઈસ કેપ્ટનશીપની જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે.
ભારતીય ટીમમાં દેવદત્ત પદિક્કલ અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉની શ્રેણીમાં ફેલ થઈ ગયેલા કરૂણ નાયર, સાઇ સુદર્શન અને આકાશદીપને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ખાસ નોંધનીય છે કે નાયર અને સુદર્શન ઇંગ્લેન્ડ શ્રેણીમાં ચાર ટેસ્ટમાં માત્ર એક જ અર્ધશતક બનાવી શક્યા હતા.
ભારતીય ટેસ્ટ ટીમ: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પદિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જડેજા, વોશિંગ્ટન સુન્દર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, નારાયણ જગદીશન.
- શ્રેણીનો કાર્યક્રમ:
પ્રથમ ટેસ્ટ: 2 ઓક્ટોબર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
બીજી ટેસ્ટ: 10 ઓક્ટોબર, અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
વેસ્ટ ઈન્ડીઝના કોચ ડેરેન સેમીએ શ્રેણી પહેલા ભારતને ઇશારો આપી કહ્યું કે “જો ન્યૂઝીલેન્ડ ટીમ ભારતમાં જીત મેળવી શકે છે, તો અમે પણ કરી શકીએ છીએ.”
વેસ્ટ ઈન્ડીઝની ટેસ્ટ ટીમ: કેવરોન એન્ડરસન, એલિક અથેનાજે, જૉન કેમ્પબલ, તેગનારાયણ ચંદ્રપોલ, શે હોપ, ટેવિન ઇમલાચ, બ્રેન્ડન કિંગ, રોસ્ટન ચેઝ (કૅપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, ખારે પિયરે, જૉન વોરિકન, અલ્જારી જોઝફ, શેમાર જોઝફ, એન્ડરસન ફિલિપ, જેડન સીલ્સ.
ટેસ્ટ આંકડા: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચો રમાઇ છે. જેમાં ભારતની 23માં અને વેસ્ટ ઈન્ડીઝની 30માં જીત થઈ છે. જ્યારે 47 મેચ ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયાએ વિન્ડીઝને છેલ્લી 9 ટેસ્ટ શ્રેણીઓમાં હરાવી છે. વિન્ડીઝે ભારત સામે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2002માં જીતી હતી.