ભારતીય નેવી હિંમત અને મક્કમ ઈરાદાની ઓળખઃ પીએમ મોદી
નવી દિલ્હી: આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓએ નૌસૈનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ નૌસેનાના બલિદાન અને સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને બિરદાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતીય નૌસેનાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, "ઇન્ડિયન નેવીના તમામ લોકોને નેવી ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી નેવી હિંમત અને મક્કમ ઇરાદાની ઓળખ છે. તેઓ આપણા દરિયા કિનારાઓની સુરક્ષા કરે છે અને આપણા સમુદ્રી હિતોને જાળવી રાખે છે." તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નેવીએ આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ પર ધ્યાન આપ્યું છે, જેનાથી આપણી સુરક્ષા પ્રણાલીને મજબૂતી મળી છે. તેમણે નેવીના જવાનો સાથે INS વિક્રાંત પર વિતાવેલી દિવાળીને યાદ કરીને શુભકામનાઓ આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહ એ નૌસેના દિવસ પર પોતાના ટ્વીટમાં નૌસૈનિકોને હાર્દિક અભિનંદન આપતા કહ્યું હતું કે, "ભારતીય નૌસેના આપણા ગર્વનો કિલ્લો છે, જે સમુદ્ર પર ઉભો છે અને અજેય વીરતા સાથે દેશને દરેક જોખમથી બચાવે છે, અને સમુદ્રી માર્ગોથી આપણી પ્રગતિની રક્ષા કરે છે." તેમણે દેશ માટે બલિદાન આપનાર નૌસેનાના યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમની દેશભક્તિ આવનારી પેઢીના યોદ્ધાઓને પ્રેરિત કરશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ એ ટ્વીટમાં લખ્યું કે, હિંદ મહાસાગરમાં સૌથી મોટી નેવલ પાવર તરીકે, નૌસેના બહાદુરી, સતર્કતા અને આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે ભારતના સમુદ્રી હિતોને જાળવી રાખે છે અને 'વિકસિત ભારત' ના માર્ગ પર દેશની યાત્રાને આગળ વધારે છે. "મને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયન નેવી આપણા દેશના સમુદ્રી હિતોની રક્ષા કરવા અને તેને આગળ વધારવા માટે તૈયાર છે."
નૌસેના દિવસના સમારોહ અંતર્ગત ભારતીય નૌસેનાએ કેરળના શંગુમુઘમ તટ પર પોતાની સમુદ્રી શક્તિ અને બહુ-ક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શક્તિ પ્રદર્શન અભિયાનમાં સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત, એક સબમરીન, ચાર બોટ અને લડાકુ જેટ, નિગરાની વિમાન અને હેલિકોપ્ટર સહિત 32 વિમાન અને 19 મુખ્ય યુદ્ધ જહાજો સામેલ થયા હતા.