3 વર્ષમાં ભારતીય અર્થતંત્ર જર્મની-જાપાન કરતા મોટું થઈ જશે: બીવીઆર સુબ્રમણ્યમ
નવી દિલ્હીઃ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે આગામી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે વધુમાં કહ્યું કે 'વિકસિત ભારત'ના સ્વપ્નને પૂર્ણ કરવા સાથે, દેશ 2047માં 30 ટ્રિલિયન ડોલરની વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાશે.
એક કાર્યક્રમને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું કે ભારત વિશ્વ માટે શિક્ષણનું કેન્દ્ર બની શકે છે કારણ કે દેશ લોકશાહી હોવાથી તે ઘણી રીતે અન્ય દેશોથી અલગ પડે છે. તેમણે કહ્યું કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં પાંચમા ક્રમેથી ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે અને આ પછી દેશ વિકાસની ગતિને ઝડપી બનાવશે અને ત્રીજા અને બીજા ક્રમે પણ પહોંચશે. સુબ્રમણ્યમ કાયદા અને એકાઉન્ટિંગ કંપનીઓ સહિત તમામ ભારતીય કંપનીઓને વિશ્વનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા રાખવા વિનંતી કરે છે.
IMFના તાજેતરના અંદાજ મુજબ, ભારતનો વાસ્તવિક GDP $4.3 ટ્રિલિયન છે, જે જાપાનના $4.4 ટ્રિલિયન અને જર્મનીના $4.9 ટ્રિલિયનથી માત્ર એક નજીવો તફાવત છે. નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમે કાયદા અને એકાઉન્ટિંગ કંપનીઓ સહિત તમામ ભારતીય કંપનીઓને વિશ્વનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા રાખવા વિનંતી કરી.